પાંચ વર્ષ પહેલા ૪૫૦ કરોડના રોડ તુટવાના કૌભાંડની તપાસ હજુ અધુરી

HM News
2 Min Read

અમદાવાદ,શુક્રવાર, 6 મે,2022 : પાંચ વર્ષ પહેલાં અમદાવાદમાં રોડ તુટવા અને ડુપ્લીકેટ બિલનું ૪૫૦ કરોડનું કૌભાંડ બહાર આવ્યુ હતું.આ કૌભાંડને પગલે મ્યુનિ.ના સાત એડીશનલ ઈજનેર સહિત કુલ ૮૪ અધિકારીઓ સામે શરુ કરાયેલી તપાસ હજુ અધુરી છે.વિપક્ષનેતાએ મ્યુનિ.તંત્ર ભ્રષ્ટ અધિકારીઓ ઉપર મહેરબાન હોવાનો આક્ષેપ કર્યો છે.વર્ષ-૨૦૧૭માં રોડ તુટવા અને બીટુમીનના ડુપ્લીકેટ બિલ બનાવવાનું કૌભાંડ બહાર આવ્યા બાદ કોન્ટ્રાકટરો જે.આર.અગ્રવાલ,જી.પી.સી.ઈન્ફ્રા પ્રા.લી.અને આકાશ ઈન્ફ્રા.પ્રા.લી.ને ત્રણ વર્ષ માટે બ્લેકલિસ્ટ કરાયા હતા.અન્ય ચાર કોન્ટ્રાકટરો સામે ગંભીર આરોપ હોવા છતાં તેમની પાસેથી નામ પુરતી રીકવરી કરી બ્લેકલિસ્ટ કર્યા વગર છોડી મુકાયા હતા.વિપક્ષનેતા શહેજાદખાન પઠાણે કહ્યુ, આ સમગ્ર પ્રકરણમાં મ્યુનિ.ના સાત એડીશનલ સિટી ઈજનેર ઉપરાંત ૮૪થી વધુ અધિકારીઓ સામે પગલા લેવાયા નથી.આ તપાસ કયારે પુરી થશે એ સવાલ છે.મ્યુનિ.દ્વારા કોઈ એક કંપનીને બ્લેક લિસ્ટ કરવામાં આવે તો તેના પ્રોપરાયટર કમ કોન્ટ્રાકટર બીજા નામે કામ મેળવી લે છે.આ કારણથી કંપનીઓને બ્લેકલિસ્ટ કરવાનો હેતુ સાર્થક થતો નથી.

ચલણી નોટ છાપતી પેપરમિલનું બોગસ સર્ટિફિકેટ મુકાયુ છતાં કંપનીને બ્લેક લિસ્ટ ન કરાઈ.મ્યુનિ.ની ગત ટર્મમાં વાસણા ખાતે બે પમ્પિંગ સ્ટેશનના ત્રણ વર્ષ માટે ઓપરેશન અને મેઈન્ટેનન્સના ૨.૧૦ કરોડ અને ૪.૬૬ કરોડના ટેન્ડર મેળવવા ઈન્ટર્નલ ઈ મેક નામની કંપનીએ કામ મેળવવા મધ્યપ્રદેશમાં આવેલી અને દેશની ચલણી નોટ છાપતી પેપર મિલનું અનુભવનું બોગસ સર્ટિફિકેટ રજૂ કર્યુ હતું.રજૂ કરાયેલુ સર્ટિફિકેટ બોગસ હોવાનું પુરવાર થતા ટેન્ડર રદ કરાયુ હતું પરંતુ કંપનીને બ્લેક લિસ્ટ કરવાના બદલે ફાઈલ અભેરાઈ ઉપર ચઢાવી દેવામાં આવી છે.દોઢ દાયકામાં ૧૧૨ કોન્ટ્રાકટરોને બ્લેક લિસ્ટ કરાયા છે પણ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થતી ન હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *