ઈસ્લામાબાદ : સત્તા ગુમાવ્યા બાદ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન એટલા નારાજ થઈ ગયા છે કે ક્યારેક તે ભારતની પ્રશંસાના પુલ બાંધે છે તો ક્યારેક તેની સામે ઝેર ઓકે છે.હવે એક નવા નિવેદનમાં ઈમરાન ખાને કહ્યું હતું કે પાકિસ્તાન પર ડિફોલ્ટર થવાનો ખતરો છે.પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને ચેતવણી આપી હતી કે જો સેના યોગ્ય નિર્ણય નહીં લે તો ભારત દેશના ત્રણ ટુકડા કરી દેશે.ઈમરાન ખાને દાવો કર્યો હતો કે વિદેશમાં ભારતીય થિંક ટેન્ક બલૂચિસ્તાનને અલગ કરવાની યોજના બનાવી રહી છે.
ભારતીય થિંક ટેન્ક પાસે યોજનાઓ છે અને તેથી જ હું ચેતવણી આપી રહ્યો છું.તેમણે વધુમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન‘આત્મહત્યા’ની આરે છે અને જો યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો સૌથી પહેલો ભોગ સેના બનશે અને યુક્રેનની જેમ આપણે પણ પરમાણુ બોમ્બ ગુમાવીશું.એક પ્રાઈવેટ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું,‘આ પાકિસ્તાન અને સેનાની અસલી સમસ્યા છે.તેમણે ચેતવણી આપી હતી કે એકવાર દેશ બરબાદ થઈ જશે તો આંતરરાષ્ટ્રીય સમુદાય પાકિસ્તાનને પરમાણુ શસ્ત્રો છોડવા માટે કહેશે જેમ કે યુક્રેને 1990ના દાયકામાં કર્યું હતું.
ભૂતપૂર્વ પાકિસ્તાની વડાપ્રધાને કહ્યું,‘વિદેશમાં ભારતીય થિંક ટેન્ક બલૂચિસ્તાનને અલગ દેશ બનાવવાનો આગ્રહ કરી રહી છે,તેમની પાસે યોજના છે.આ જ કારણ છે કે હું દબાણ લાવી રહ્યો છું.ઈમારન ખાને કહ્યું કે ભારતીયો તેને પસંદ નથી કરતા કારણ કે તે સ્વતંત્ર વિદેશ નીતિને અનુસરે છે.મેં સત્તા ગુમાવી અને શાહબાઝ પીએમ બન્યા પછી ભારતમાં ઉજવણી કરાઈ હતી.


