– કુલ 18,553 પરીક્ષાર્થીઓએ આ લેખિત પરીક્ષા આપી હતી
નવી દિલ્હી, તા. 8 મે : પાકિસ્તાનમાં પહેલી વખત કોઈ હિંદુ મહિલાએ દેશની પ્રતિષ્ઠિત કેન્દ્રીય સર્વોચ્ય સેવા (CSS)ની પરીક્ષા પાસ કરી છે અને તેઓ પાકિસ્તાન પ્રશાસનિક સેવા (PAS)માં પસંદગી પામ્યા છે.
પાકિસ્તાનની સૌથી વધારે હિંદુ વસ્તી ધરાવતા સિંધ પ્રાંતના શિકારપુર જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં રહેતી સના રામચંદ MBBS ડોક્ટર છે.તે CSSની પરીક્ષા પાસ કરનારા 221 ઉમેદવારોમાં સ્થાન પામી છે.કુલ 18,553 પરીક્ષાર્થીઓએ આ લેખિત પરીક્ષા આપી હતી જેમાં ડિટેઈલ્ડ મેડિકલ એક્ઝામ,સાઈકોલોજિકલ એક્ઝામ અને ઈન્ટરવ્યુ બાદ ફાઈનલ રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રિઝલ્ટ જાહેર થયા બાદ સનાએ ટ્વીટમાં લખ્યું હતું કે, ‘વાહે ગુરૂજી કા ખાલસા વાહે ગુરૂ જી કી ફતેહ.’ વધુમાં લખ્યું હતું કે, ‘મને આ જણાવતા ખૂબ જ આનંદ થઈ રહ્યો છે કે, અલ્લાહના ફજલથી મેં CSS 2020ની પરીક્ષા પાસ કરી લીધી છે અને PAS માટે મારી પસંદગી થઈ છે. આનો સંપૂર્ણ શ્રેય મારા માતા-પિતાને જાય છે.’
સના રામચંદ પહેલા એવા હિંદુ મહિલા છે જે CSSની પરીક્ષા બાદ PAS માટે પસંદગી પામ્યા છે.સનાએ સિંધ પ્રાંતની ચંદકા મેડિકલ કોલેજમાંથી MBBS કર્યું હતું અને સિવિલ હોસ્પિટલ કરાચીમાં હાઉસ જોબ પૂરી કરી હતી.હાલ તેઓ સિંધ ઈન્સ્ટિટ્યુટ ઓફ યુરોલોજી એન્ડ ટ્રાન્સપરેન્ટ ખાતે FCPSનો અભ્યાસ કરી રહ્યા છે અને જલ્દી સર્જન બનવાના છે.


