ઈસ્લામાબાદ, તા. 22 એપ્રિલ 2020, બુધવાર
વિશ્વમાંથી કોરોના મહામારીનો કોઈ એક દિવસે અંત આવશે તેવી આશા છે પરંતુ પાકિસ્તાનમાં બળજબરીપૂર્વક હિંદુ યુવતીઓના ધર્માંતરણનું ક્રૂર કામ ક્યારે અટકશે તે એક સવાલ છે.પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી વધુ એક વખત બળજબરીપૂર્વકના ધર્માંતરણનો કેસ સામે આવ્યો છે.ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં સતત હિંદુ સગીરાઓ અને યુવતીઓનું અપહરણ કરીને તેમને ધર્મપરિવર્તન કરાવીને મુસ્લિમ યુવકો સાથે શાદી માટે મજબૂર કરવામાં આવે છે.
તાજેતરમાં એક 14 વર્ષીય હિંદુ સગીરાને અપહરણ બાદ બળજબરીપૂર્વક મુસ્લિમ ધર્મ અપનાવવા ફરજ પાડવામાં આવી હતી.ત્યાર બાદ 40 વર્ષીય અપહરણકર્તાએ સગીરાની મરજીવિરૂદ્ધ સિંધના ચુંડિકો વિસ્તારમાં તેના સાથે શાદી કરી લીધી હતી.પાકિસ્તાનમાં આ પ્રકારની ઘટનાઓ હવે ખૂબ જ સામાન્ય બની રહી છે.થોડા મહીના પહેલા એક 24 વર્ષીય હિંદુ યુવતીને લગ્નના મંડપમાંથી ઉઠાવી લેવામાં આવી હતી અને બળજબરીપૂર્વક ધર્માંતરણ બાદ સ્થાનિક પોલીસ અધિકારીઓની હાજરીમાં મુસ્લિમ વ્યક્તિ સાથે તેની શાદી કરાવાઈ હતી.