પાકિસ્તાનના રહિમયારખાન વિસ્તારમાં તાજેતરમાં જ ગણેશ મંદિરમાં કટ્ટરવાદી મુસ્લિમો દ્વારા કરવામાં આવેલી તોડફોડની ઘટના પછી પાકિસ્તાનમાં વસતા હિન્દુ સમાજનો આક્રોશ માઝા મૂકી રહ્યો છે.પાકિસ્તાનમાં વસતા લઘુમતી સમાજના લોકોએ કરાચીમાં મોટી સંખ્યામાં એકઠા થઈ કટ્ટરવાદીઓના અત્યાચારો સામે વિરોધપ્રદર્શન કર્યા હતા તથા જય શ્રીરામ અને હર હર મહાદેવના જબરજસ્ત સૂત્રોચ્ચારથી કરાચી ગજાવી દીધું હતું.
વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોમાં હિન્દુઓ તો મોટી સંખ્યામાં હતા જ! સાથે સાથે શીખ,પારસી,ખ્રિસ્તી અને અન્ય ધર્મના લોકો પણ મોટાપાયે સામેલ થયા હતા.બધાએ ભેગા મળી પ્લેકાર્ડ દર્શાવ્યા હતા.તેમાં હાલમાં જ થયેલી મંદિરમાં તોડફોડની ઘટનાની નિંદા કરી હતી અને લઘુમતીઓ સામે થઈ રહેલા કટ્ટરવાદી અત્યાચારો સામે સૂત્રો આલેખ્યા હતા.સંખ્યાબંધ પ્લેકાર્ડ ઉપર વી વોન્ટ જસ્ટિસ લખેલું હતું.
પ્રદર્શનકારીઓએ મોટી સંખ્યામાં ભગવા રંગના ધ્વજ લહેરાવ્યા હતા
દેખાવકારોમાં કરાચીના અતિપ્રાચીન અને પ્રસિદ્ધ હનુમાન મંદિરના મુખ્ય પૂજારી રામનાથ મિશ્ર મહારાજ પણ સામેલ થયા હતા.તેમણે કહ્યું હતું કે રહિમયારખાન ખાતે જે રીતે ગણેશ મંદિરમાં તોડફોડ કરવામાં આવી તેની અમે ખૂબ જ કડક શબ્દોમાં આલોચના કરી રહ્યા છીએ. તેમણે માગ કરી હતી કે જે રીતે ઈસ્લામ વિરુદ્ધ કોઈ કશું ખરાબ બોલે તો તેને સજા-એ-મૌત અથવા ઉમરકેદની સજા આપવામાં આવે છે તે જ રીતે અમારા ધર્મ વિરુદ્ધ પણ ભલું-બૂરું કહેવા અને કરવાવાળાઓ સામે એવી જ સજા મળવી જોઈએ.હમણાંથી પાકિસ્તાનમાં વસતા હિન્દુઓ સામે અત્યાચારો સતત વધી રહ્યા છે.તેને અટકાવવા જ પડશે.
વિરોધપ્રદર્શનમાં કરાચીના મુફ્તિ ફૈસલ પણ સામેલ થયા હતા.તેમણે જણાવ્યું કે તેમનો સંબંધ ઈસ્લામથી છે,પરંતુ હું કહેવા માગું છું કે વિવિધ ધર્મ અને સમાજો વચ્ચે નફરત ફેલાય એવી કોઈ વાત કે એવું કોઈ કામ ન થવું જોઈએ.જેમ ભારતમાં મુસ્લિમો લઘુમતીમાં છે,પરંતુ તેઓ શાંતિપૂર્વક રહે છે.તે જ રીતે પાકિસ્તાનમાં લઘુમતી હિન્દુઓને પણ શાંતિપૂર્વક રહેવાનો અધિકાર મળવો જોઈએ.


