Wednesday, April 23, 2025
🌤️ 30.4°C  Surat
Breaking News
TRENDING NEWS

પાક.માં ભીડે ઈશ નિંદાના આરોપીની મારઝૂડ કરી, મૃતદેહ ઝાડ પર લટકાવ્યો

Table of Content

– પાક.માં ઈશ નિંદાના ઓઠા હેઠળ હત્યા કરાતી હોવાનો ઘટસ્ફોટ
– કુરાનના પાના ફાડી સળગાવ્યાનો આરોપ થતાં ટોળાએ આરોપીને જાતે જ સજા આપી : પોલીસે ૬૨ની ધરપકડ કરી

ઈસ્લામાબાદ, તા.૧૩ : પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ઉશ્કેરાયેલી ભીડે ધાર્મિક ગ્રંથ કુરાનના અપમાનના આરોપીને વૃક્ષ સાથે બાંધીને મારઝૂડ કરી તેની હત્યા કરી હતી અને તેનો મૃતદેહ ઝાડ પર લટકાવી દીધો હતો.પંજાબના મુખ્યમંત્રી ઉસ્માન બુજદરે પોલીસને આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસનો આદેશ આપ્યો હતો.આ ઘટનામાં ૩૩ શકમંદો અને ૩૦૦ અજાણ્યા લોકો સામે કેસ નોંધાયો છે તેમજ ૬૨ લોકોની ધરપકડ કરાઈ હતી.

પોલીસે જણાવ્યું હતું કે, આ ઘટનામાં જધન્ય ગૂના અને આતંકવાદ સંબંધિત કલમો પણ જોડવામાં આવી છે.આ ઘટના શનિવારે જંગલ ડેરા ગામમાં થઈ હતી,જ્યાં સેંકડો લોકો નમાજ પઢવા એકત્ર થયા હતા.હકીકતમાં જાહેરાત કરાઈ હતી કે એક વ્યક્તિએ પવિત્ર કુરાનના કેટલાક પાના ફાડી સળગાવી દીધા છે.આ ઘટના પહેલાં પોલીસ સ્થળ પર પહોંચી હતી,પરંતુ ભીડે પોલીસના કબજામાંથી આધેડ વયના આરોપીને આંચકી લીધો હતો.આરોપી પોતાને નિર્દોષ ગણાવતા દયાની ભીખ માગતો રહ્યો, પરંતુ ઉશ્કેરાયેલી ભીડે તેનું કશું જ સાંભળ્યું નહીં.ભીડે તેને એક વૃક્ષ સાથે બાંધી દીધો અને તેની સાથે મારા-મારી કરી તેને મારી નાંખ્યો હતો.

પોલીસ અધિકારી મુહમ્મદ અમિને જણાવ્યું હતું કે, જંગલ ડેરાવાલા ગામમાં મસ્જિદ શાહમુકીમ મુઝામાં ૩૦૦થી વધુ લોકો એકત્ર થયા હતા,જ્યાં ભીડે એક વ્યક્તિને વૃક્ષ પર બાંધી દીધો હતો અને તેના પર પથ્થરોનો મારો કર્યો હતો.થોડાક સમયમાં જ તેનું મોત નીપજ્યું હતું.પાછળથી તેમણે આરોપીનો મૃતદેહ વૃક્ષ પર લટકાવી દીધો હતો.પોલીસે કહ્યું કે આ વ્યક્તિની ઓળખ થઈ ગઈ છે. ટોળાના ગુસ્સાનો ભોગ બનેલ વ્યક્તિ બારા ચક ગામનો નિવાસી મુસ્તાક અહેમદ હતો.પાકિસ્તાનમાં ઈશ નિંદા વિરુદ્ધ આકરો કાયદો છે, જેમાં મૃત્યુદંડ સુધીની જોગવાઈ છે.માનવાધિકાર કાર્યકરોનું કહેવું છે કે મુસ્લિમ બહુમતીવાળા દેશમાં અનેક વખત ભીડે કોઈની હત્યા કરવા માટે ઈશ નિંદાના આરોપો મૂક્યા છે.

તાજેતરમાં બે મહિના પહેલાં જ સિયાલકોટમાં કટ્ટરપંથી ઈસ્લામિક પાર્ટીના ઉગ્ર સમર્થકોએ સ્થાનિક લોકો સાથે મળીને શ્રીલંકા નિવાસી કપડા ફેક્ટરીના મેનેજર પ્રિયંતા કુમારની ઈશ નિંદાના આરોપમાં હત્યા કરાઈ હતી.બર્બર ભીડે કુમારના મૃતદેહને રસ્તા પર મૂકી સળગાવી દીધો હતો.ગયા વર્ષે નવેમ્બરમાં પોલીસે ઈશ નિંદાના આરોપીને સોંપવાનો ઈનકાર કરી દેતા ઉશ્કેરાયેલી ભીડે ખૈબરપખ્તૂનખ્વા સ્થિત એક પોલીસ સ્ટેશનને આગ લગાવી દીધી હતી.

HM News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

Recent News