ગાંધીનગર : ગાંધીનગર શહેરના મુખ્ય અને રીંગ રોડ ઉપર સ્ટ્રોમ વોટર લાઈન છે પરંતુ આંતરીક માર્ગો ઉપર લાઈન હોવાના કારણે ચોમાસામાં પાણી ભરાઈ રહેવાની ફરિયાદો ઉઠતી રહી છે જેના પગલે હવે કોર્પોરેશન દ્વારા સેકટરોના આંતરિક માર્ગો ઉપર પણ સ્ટ્રોમ વોટર લાઈન નાંખવાનું આયોજન હાથ ધરવામાં આવનાર છે.માર્ગની બન્ને બાજુ પાણી ગટર સહિતની લાઈનો હોવાથી માર્ગની વચ્ચે જ સ્ટ્રોમ વોટર લાઈન ઉભી કરવા પ્રયાસ હાથ ધરવામાં આવનાર છે.રાજયના પાટનગર ગાંધીનગર શહેરમા આમ તો અન્ય શહેરો કરતાં ચોમાસા દરમ્યાન પાણી ભરાઈ રહેવાની ગંભીર સ્થિતિ નથી પરંતુ ગાંધીનગરના આંતરિક સેકટરોમાં રોડ ઉપર પાણી ભરાઈ રહેવાના કારણે રોડની કપચી ઉખડી જવાથી મોટું આર્થિક નુકશાન તંત્રને વેઠવું પડે છે મુખ્ય માર્ગો અને રીંગ રોડ ઉપર સ્ટ્રોમ વોટર લાઈન હોવાથી અહીં પાણી ભરાઈ રહેવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.પરંતુ સેકટરોના આંતરિક વિસ્તારમાં રોડ ઉપર પાણી ભરાઈ રહેવાની ચોમાસામાં ફરિયાદો વ્યાપક બને છે.મકાન આગળ પેવર બ્લોક નંખાયેલા હોવાથી પાણી જમીનમાં ઉતરતું નથી અને પાણી રોડ ઉપર જ ભરાઈ રહે છે જેના કારણે મચ્છરજન્ય રોગચાળો પણ માથું ઉંચકે છે ત્યારે આ સ્થિતિમાં કોર્પોરેશને હવે ગાંધીનગરના સેકટરોમાં આંતરિક માર્ગો ઉપર પણ સ્ટ્રોમ વોટર લાઈન નાંખવાનું નક્કી કર્યું છે. આંતરિક માર્ગો ઉપર બન્ને બાજુ પાણી, ગટર, ઈલેકટ્રીક અને ગેસ લાઈન હોવાથી રોડ સાઈડમાં સ્ટ્રોમ વોટર લાઈન નાંખવી શક્ય નથી.જેથી માર્ગની વચ્ચો વચ જ નવી સ્ટ્રોમ વોટર લાઈન નાંખવા માટે મથામણ કરવામાં આવનાર છે.આગામી દિવસોમાં આ માટે કામગીરી હાથ ધરવા માટે સૂચના આપવામાં આવશે.વધારે પાણી ભરાતા વિસ્તારોનો સર્વે કરાશે
ગાંધીનગરના વિવિધ સેકટરોના આંતરીક માર્ગો ઉપર પાણી ભરાઈ રહેવાની સમસ્યા છે ત્યારે કોર્પોરેશન દ્વારા માર્ગોની વચ્ચે સ્ટ્રોમ વોટર લાઈન નાંખવાનું આયોજન છે.જે માટે સેકટરોમાં વધારે પાણી ભરાઈ રહેવાની ફરીયાદો છે તે જાણવા માટે ભુતકાળની ફરિયાદોનો રેકોર્ડ તપાસી તેમજ સ્થાનિકો પાસેની સર્વે કરાવી તેવા સેકટરોમાં સ્ટ્રોમ વોટર લાઈન માટે અગ્રતા આપવામાં આવશે.પેવર બ્લોક કરતા માર્ગો નીચા થવાથી સમસ્યા.ગાંધીનગરમાં હાલ તમામ સેકટરોમાં મકાન આગળ પેવર બ્લોક નાંખી દેવામાં આવ્યા છે.જેના કારણે માર્ગો કરતાં પેવર બ્લોકનું લેવલ વધી ગયું છે અને આ જ સ્થિતિના કારણે સેકટરોના આંતરિક માર્ગો ઉપર પાણી ભરાઈ રહેતું હોવાની ફરિયાદો વ્યાપક બની હોવાથી કોર્પોરેશન તંત્રના ધ્યાને આવતા આગામી સમયમાં પેવર બ્લોકની કામગીરી પણ રોડની સમાંતર જ કરવા માટે સૂચના આપવામાં આવશે.