વિધાનસભાની ચૂંટણીના પહેલા જ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપી મોટો આંચકો આપ્યો છે.તેમણે ગાંધીનગર ખાતે પત્રકારોને સંબોધતા કહ્યું કે મેં સફળ રીતે 5 વર્ષ મુખ્યમંત્રી તરીકેની જવાબદારી નિભાવી છે.ભાજપમાં કાર્યકરોને જે જવાબદારી મળે તે નિભાવે છે.એટલે હવે નવા લોકોને મોકો મળશે.તેમને એવું પુછાયું કે નવા મુખ્યમંત્રી કોણ બનશે તો તેમણે કહ્યું કે તે તો પાર્ટી નક્કી કરશે.જોકે, ત્યારપછી લોકો અંદાજ લગાવી રહ્યા છે કે નવા મુખ્યમંત્રી કોણ બનશે. આ લિસ્ટમાં જુદા જુદા નામો આવી રહ્યા છે.
નીતિન પટેલ
નીતિન પટેલ નાયબ મુખ્યપ્રધાન છે અને ભાજપ ગુજરાતમાં સત્તામાં આવ્યો ત્યાંરથી જ તેઓ મંત્રી તરીકેની જવાબદારી નિભાવે છે.તેઓ અગાઉ જ્યારે આનંદીબેન પટેલે રાજીનામું આપ્યું ત્યારે પણ પ્રબળ દાવેદાર હતા.આ વખતે પણ તેમની દાવેદારી મોટી ગણાઇ રહી છે.છેલ્લા કેટલાક સમયનો ઘટનાક્રમ જોતા નીતિન પટેલ જ મુખ્યમંત્રી બને તેવી પ્રબળ શક્યતાઓ છે.
ગોરધન ઝડફિયા
ગોરધન ઝડફિયા હાલમાં સંગઠનમાં સક્રિય છે.તેઓ ભાજપ છોડીને કેશુભાઇ પટેલ સાથે નવી પાર્ટીમાં જોડાયા હતા.પરંતુ પછી તેઓ પાછા ભાજપમાં આવી ગયા છે.તેઓ હાર્ડ કોર હિન્દુત્વની છબિ ધરાવે છે.અકિલાના તંત્રી કિરીટભાઇ ગણાત્રાના મત મુજબ ગોરધન ઝડફિયા જ મુખ્યમંત્રી બનશે.કારણ કે હાલમાં પાટીદારો ભાજપથી નારાજ છે એટલે તેમને બનાવી શકાય છે.
મનસુખ માંડવિયા
દિલ્હીમાં ચાલતી ચર્ચા મુજબ હાલમાં કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા પણ મુખ્યમંત્રી બની શકે છે.તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નજીક ગણવામાં આવે છે.તેઓ મુખ્યમંત્રી બનશે તેવી વાત અગાઉ પણ ચાલી હતી. હવે તેઓ દિલ્હીથી ગુજરાત આવે તેવી ચર્ચા પણ ઊભી થઇ છે.
સી.આર. પાટિલ
અગાઉ જ્યારે પાટીદારો વિરોધમાં હતા અને બીજી જ્ઞાતિઓ પણ પોતાનો મુખ્યમત્રીની માગણી કરતા હતા ત્યારે એક જૈન સમાજમાંથી આવતા નેતાને મુખ્યમંત્રી પદ આપીને ભાજપે બધાને ચુપ કરી દીધા હતા.હાલ પણ જુદી જુદી જ્ઞાતિઓ પોતાના સીએમ હોવાની માગણી કરી રહી છે ત્યારે સી.આર. પાટિલને સીએમ બનાવી દેવાય તેવી શક્યતાઓ પણ કેટલાક લોકો જોઇ રહ્યા છે.આ ઉપરાંત પરષોત્તમ રૂપાલાનું નામ પણ ચાલી રહ્યું છે.તેઓ પણ કેન્દ્રમાં મંત્રી છે અને છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં સક્રિય છે.