સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનુ આગમન થઇ ચૂક્યુ છે ત્યારે ફરી એકવાર આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થયો છે.ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કોંગ્રેસની ટીકીટો વેચાય છે તેવો આરોપ મૂક્યો છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ એવો આક્ષેપ કર્યો છે કે,પાટીલ ભાઉ કેવી રીતે પૈસા ઉઘરાવે છે તે આખુય સુરત સારી પેઠે જાણે છે.
પાટીલ ભાઉ કેવી રીતે પૈસા ઉઘરાવે છે તે આખુય સુરત સારી પેઠે જાણે છે
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી મેદાને ઉતારવા કોંગ્રેસે મૂરતિયાઓની પસંદ કરવાની કવાયત હાથ ધરી છે.ગાંધીનગર નજીક એક ફાર્મ હાઉસમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓએ છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી માટે ચર્ચા કરી હતી.આ બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ એવો આરોપ મૂક્યો કે,આજે ભાજપમાં કાર્યકરો પાટીલ ભાઉના આતંકનો ભોગ બન્યાં છે.ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસિમાએ પહોંચ્યો છે.
કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનો આરોપ
ચાવડાએ એવા પ્રહારો કર્યાં કે,પાટીલે પોતાના ઘરમાં નજર નાંખવાની જરૂર છે.કોંગ્રેસની ચિંતા કરવાની જરૂર નથી.કોંગ્રેસ 135 વર્ષ જૂનો રાજકીય પક્ષ છે.જેણે દેશ માટે બલિદાન આપ્યુ.એટલુ જ નહીં,દેશની અખંડિતતા જાળવી રાખી તે કોંગ્રેસને પાટીલની સલાહની જરૂર નથી.કોંગ્રેસની ચિંતા કરવાની પાટીલની ક્ષમતા જ નથી.
કોંગ્રેસને પાટીલની સલાહની જરૂર નથી
કોંગ્રેસની ટીકીટો વેચાય છે તેવો પાટીલના આરોપનો ચાવડાએ એવો જવાબ આપ્યો કે,આજે ગુજરાતમાં દારૂ – જુગારના હપ્તા પોલીસ સ્ટેશનની માંડીને છેક ગાંધીનગર સુધી પહોંચે છે.એટલુ જ નહીં,ભાજપના રાજમાં ખુલ્લેઆમ ખંડણીઓ ઉઘરાવાય છે.ખુદ પાટીલ કેવી રીતે નાણાં ઉઘરાવે છે તે આખુય સુરત સારી રીતે જાણે છે.


