– સુરતના કિમમાં અવાવરૂ જગ્યાએથી દેશી દારૂની ભઠ્ઠી મળી આવતા પોલીસ તંત્ર દોડતું થયું
– સમગ્ર પ્રકરણની તલસ્પર્શી તપાસના આદેશ સાથે 1 PSI અને 2 કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા
સુરત : રાજ્યમાં ચકચારિત લઠ્ઠાકાંડની ઘટનાને પગલે હવે પોલીસ એક્શન મોડ પર આવી છે.એક બાજુ બેઠકોનો ઘમઘમાટ તો બીજી બાજુ દારૂના અડ્ડાઓને નામશેષ કરવા માટે વિશેષ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.ત્યારે ફરીવાર જિલ્લાના છેવાડે આવેલ કિમ તાલુકામાં ગતરોજ અવાવરૂ જગ્યાએ દેશી દારૂની ભઠ્ઠી મળી આવતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા.આ દરમિયાન રેન્જ આઈ.જી રાજકુમાર દ્વારા સમગ્ર પ્રકરણની તલસ્પર્શી તપાસના આદેશ સાથે એક પીએસઆઇ અને બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
સસ્પેન્શનની કાર્યવાહી કરતા જિલ્લાના પોલીસ કર્મચારીઓમાં પણ ફફડાટ
કઠોદરા ગામમાં કિમ નદીના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઘમઘમી રહી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.જ્યાં ઘટના સ્થળેથી દારૂ ગાળવા માટેના કેરબા,લાકડા સહિતનો મુદ્દા માલ મળી આવ્યો હતો.જો કે ગામથી બે કિલોમીટરના છેવાડે એકદમ અંતરિયાળ વિસ્તારમાં ધમધમતા આ દેશી દારૂના અડ્ડા પર પોલીસ પહોંચે તે પહેલા જ બુટલેગર નાસી છૂટ્યો હતો.કાદવ કિચડ વચ્ચેથી પગપાળા ઘટના સ્થળે પહોંચેલા પોલીસ અધિકારીઓ દ્વારા સમગ્ર પ્રકરણને ગંભીરતાથી લેવાની સાથે તાત્કાલિક અસરથી પીએસઆઇ પ્રકાશ પંડ્યા સહિત કોન્સ્ટેબલ અનિલ વસંતરાવ અને નિલેશ રામુભાઈને સસ્પેન્ડ કરવાના આદેશ ફટકારવામાં આવ્યા છે.આ સિવાય દેશી દારૂની ભઠ્ઠી અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.આ સંદર્ભે જિલ્લા પોલીસ વડા હિતેશ જોઈસર દ્વારા ગણતરીના સમયમાં જ રિપોર્ટ રજૂ કરવામાં આવતા રેન્જ આઇ.જી રાજકુમાર પાંડીયન દ્વારા જવાબદાર પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવતા હવે જિલ્લાના પોલીસ કર્મચારીઓમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.