લખનૌ તા. ૩ : પાણીપુરીનો સ્વાદ કોઈને ન ભાવતો હોય એવું જવલ્લે જ બનતું હોય છે.ખટ્ટમીઠો સ્વાદ માણવા અવારનવાર લારી અને ખૂમચાઓ પર ભીડ જામતી હોય છે.જોકે,ઉત્તરપ્રદેશમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે,જેમાં ૧૭ વર્ષની વિદ્યાર્થીની ઘરની બાજુમાં આવેલી પાણીપુરી ખાવા રોજ જતી હતી અને તેને પાણીપુરી વેચતા યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો અને અંતે બન્ને ભાગી ગયા હતાં.
પાણીપુરી સાથે તો દરેકને પ્રેમ હોય છે પરંતુ પાણીપુરી વેચનાર યુવક સાથે પ્રેમ થવાની આ ઘટના પરિવાર માટે માથાનો દુઃખાવો બન્યો છે કારણકે છોકરી સગીર છે.જયારે સમગ્ર પરિવારને આ મામલે જાણ થઈ તો ખૂબ જ આઘાત લાગ્યો હતો.પરિવારના જણાવ્યાનુસાર ઘરની બાજુમાં આવેલી પાણીપુરી વિદ્યાર્થીનીને ખૂબ જ પસંદ હતી.જે માટે તે અવારનવાર ખાવા જતી હતી.જોકે,તેમને આ વાતનો જરાપણ અંદાજો નહોતો કે,તે પાણીપુરી વેચતા યુવક સાથે જ ભાગી જશે.
પોલીસના જણાવ્યાનુસાર, આ ૧૭ વર્ષની વિદ્યાર્થીની રોજ ઘરની બાજુમાં આવેલી પાણીપુરીની લારી પર પાણીપુરી ખાવા જતી હતી અને આ દરમિયાન જ પાણીપુરી વેચતા યુવક સાથે આંખ મળી હતી.જે પછી માનમર્યાદાને નેવે મૂકી સગીરા યુવક સાથે ભાગી ગઈ હતી.પરિવારનો આરોપ છે કે,યુવકે સગીરાને સપના બતાવીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી.
જયારે પરિવારને ખબર પડી ત્યારે મોડું થઈ ચૂકયું હતું. યુવક સગીરા સાથે ફરાર થઈ ચૂકયો હતો.પરિવારે સગીરાની શોધખોળ કરી અને સાથે જ પોલીસમાં પણ સામાન્ય અરજી કરી હતી.જોકે,બપોર સુધીમાં તો યુવકનો ફોન આવ્યો હતો કે, ‘હું ઝાંસી જઈ રહ્યો છું અને પરેશાન થવાની કોઈ જરૂર નથી.’ જેના પર પરિવારે કહ્યું હતું કે, બન્ને જયાં છો ત્યાં જ રહો અમે તમને લેવા માટે આવીએ છીએ. જોકે,એક પોલીસ કર્મચારીએ જણાવ્યું હતું કે,પરિવારે કોઈ ફરિયાદ નોંધાવી નથી પરંતુ પોલીસ સગીરાની ભાળ મેળવવા તપાસ કરી રહી છે.

