વલસાડ, 09 જૂન : કેન્દ્ર અને રાજ્ય સરકારની બહાર પાડેલી નવી ગાઇડલાઇન અમલવારી માટે વલસાડ કલેકટરના આદેશ અનુસાર પારડી પાલિકાના ચીફ ઓફિસર પ્રાચી દોશીએ તેમની ટિમ સાથે પારડી મુખ્ય બજારમાં સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધર્યું હતું.પાલિકાની ટીમ દ્વારા જે દુકાનદારો કે રાહદારીઓ કોરોના ના નિયમોનુ ઉલ્લંઘન કરતા લોકોને ઝડપી પાડ્યા અને ઝડપાયેલા તમામ વિરુદ્ધ દંડનિય કાર્યવાહી કરવામાં આવી હતી.ચાર દુકાનદારો કે જેમને ત્યાં સામાજિક અંતર જળવાતું ન હતું તેમને રૂ 500 પ્રમાણે અને પંદરથી વધુ જેટલા માસ્ક પહેર્યા વિના ફરતા રાહદારીઓ પાસે રૂ 200 પ્રમાણે દંડ વસુલવામાં આવતા પારડી પંથકમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.મોડી સાંજ સુધી પાલિકાની ટીમની કાર્યવાહી ચાલુ રહી હતી અને ચીફ ઓફિસર પ્રાચી દોશીએ કોરોનાના સામે લડવા સોશિયલ ડિસ્ટન્સનું પાલન,માસ્ક પહેરવું જેવા નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી,નિયમોનું ચુસ્ત અમલવારી માટે આવનારા દિવસોમાં પણ આકસ્મિક ચેકીંગ હાથ ધરી કાર્યવાહી કરવામાં આવશે જેવી ચેતવણી પણ આપવામાં આવી હતી.