કોરોના કાળ દરમિયાન ફરજ બજાવતા કર્મચારીઓને કોરોના વોરિયર્સ તરીકે સંબોધવામાં આવે છે.પારડી પાલિકાના કર્મચારીઓએ પણ કોરોના કાળ દરમિયાન શહેરમાં તનતોડ મહેનત કરી હતી અને પોતાના જીવને જોખમમાં મૂકી શહેરમાં ખડે પગે ઊભા રહી કામગીરી કરી હતી આ દરમિયાન પાલિકાના કેટલાક કર્મચારીઓ કોરોના સંક્રમિત પણ બન્યા હતા અને સંક્રમિત દરમિયાન પાલિકાના સિનિયર ક્લાર્કએ જીવ પણ ગુમાવ્યો હતો.
હાલમાં સરકાર દ્વારા કોરોના વોરિયર્સઓ ને વેક્સીન આપવાનું અભિયાન ચાલી રહ્યું છે જે અભિયાન અંતર્ગત પારડી રેફરલ હોસ્પિટલ ખાતે પણ પારડી પાલિકાના કોરોના વોરિયર્સને વેક્સિન આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ કામગીરી દરમિયાન પારડી નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રાચી દોષી,સિનિયર ક્લાર્ક કિશોરભાઇ પરમાર ગુમાસ્તાધારા ક્લાર્ક ઉમેશભાઈ પટેલ, સમાજ સંગઠકના નયનાબેન પટેલ, ઇજનેર મૈત્રીબેન પ્રજાપતિ,ભાવેશભાઇ પ્રજાપતિ,એમ.આઈ.એસના બ્રિજલબેન લાડ,વોટર વર્કસના કર્મચારી નીતિનભાઈ ચૌબલ,બાંધકામ શાખાના કલાર્ક રીટાબેન ગાયકવાડ,પંકજ ગરાણીયા,મયુર સોલંકી રેફરલ હોસ્પિટલમાં જઈ કોવિંડની વેક્સિન લીધી હતી.
પારડી પાલિકામાં 90 કર્મચારીઓનો સ્ટાફ છે જેમાં ફક્ત 11કર્મચારીઓ જ વેકસિન લીધી હોવાની માહિતી મળી છે.જેને લઈ વેકસિન લેવા અંગે પાલિકાના કર્મચારીઓમાં જાગૃતતાના અભાવે છૂપો ડર હોવાનું ફલિત થઈ રહ્યું છે.બીજી તરફ 11 કર્મચારીઓએ વેકસિન લીધાને 24 કલાક જેવો સમય વીતી ગયો છે જેમને કોઈ પણ જાતની તકલીફ ન પડી હોવાનું જણાવી રહ્યા છે.


