વલસાડ, 17 જૂન : વલસાડ પાલિકાની ડમ્પિંગ સાઇટ પર જતો પારડી સાંઢપોરનો માર્ગ બિસ્માર બનતાં મંગળવારે રહીશોમાં રોષ ફેલાય ગયો હતો.કચરો ભરીને જતાં પાલિકાના ટ્રેકટરોને રહીશોએ અટકાવી રસ્તો બનાવવાની માગ કરી હતી.રસ્તો બંધ કરી ચોમાસામાં ખાડામાં વરસાદી પાણી ભરાતાં અવરજવર કરવા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાની ફરિયાદ કરાઇ છે. વલસાડ શહેરના વોર્ડવાર વિસ્તારોમાંથી રોજબરોજ એકત્ર કરાતો કચરો ભરીને પારડીસાંઢપોર ગામે આવેલી ડમ્પિંગ સાઇટ પર ભેગો કરવા પાલિકાના ટ્રેકટરો અહિંના રસ્તા પરથી આવજા કરે છે.આ રસ્તો હાલે બિસ્માર બની જતાં ખાડા પડી ગયા છે.જેમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે.જેના કારણે અહિંના સ્થાનિક રહીશોને આવવા જવા માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.મંગળવારે રહીશોએ રસ્તા પરથી પસાર થતાં પાલિકાના 10 થી 12 ટ્રેકટરને ડમ્પિંગ સાઇટ પર જતાં અટકાવી દઇ વિરોધ પ્રદર્શિત કર્યો હતો.રહીશોએ પાલિકા પ્રમુખ અને ઇજનેરને રજૂઆત કરતાં તેમણે રહીશોને રસ્તાની મરામત કરવા હૈયા ધરપત આપી હતી.જેના માટે મટિરિયલ પાથરવાની વાત કહેવામાં આવી હતી. જો કે રહીશોની ધીરજ ખૂટી ગઇ હતી.પરિણામે સ્થાનિકોએ પાલિકાના ટ્રેકટરોને પસાર થતાં રસ્તો બંધ કરી દીધો હતો. પારડી સાંઢપોરના આ રસ્તા પર ખાડા પડી જતાં ચોમાસાનું પાણી ભરાઇ ગયું છે.જેના કારણે વિદ્યાર્થીઓ,મહિલાઓને પણ ભારે હાલાકી છે.એક ગર્ભવતી મહિલાને અહિંથી વલસાડના ધોબીતળાવ ખાતેના તેમના કોઇ સગાને ત્યાં મોકલી આપી છે.બિસ્માર રસ્તાને લઇ તેને હોસ્પિટલ લઇ જવાનું પડે તો તકલીફ ન થાય તે માટે મોકલી છે. – મોહનભાઇ,રહીશ


