– પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ચૂંટણીપંચ સામે આકરા પ્રહાર કર્યા
– ઉદ્ધવે કાર્યકરોને કહ્યું – આગામી ચૂંટણીની તૈયારી કરો
મહારાષ્ટ્રમાં ચૂંટણીપંચે ઉદ્ધવ ઠાકરેના હરીફ મુખ્યમંત્રી એકનાથ શિન્દેને શિવસેના પાર્ટીનું નામ અને તીર-કમાનનો ચૂંટણી ચિહ્ન આપી દીધો.તેના એક દિવસ બાદ શનિવારે પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ચૂંટણીપંચ સામે આકરા પ્રહાર કર્યા હતા.તેમણે કહ્યું કે ચૂંટણીપંચ પીએમ મોદીનું ગુલામ બની ગયું છે.તેણે એવું કંઇક કરી નાખ્યું છે જે અગાઉ ક્યારેય થયું નહોતું.ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિન્દે સામે નિશાન તાકતા કહ્યું કે પાર્ટીનું ચૂંટણી ચિહ્ન ચોરાઈ ગયું છે અને ચોરને પાઠ ભણાવવાની જરુર છે.
માતોશ્રીની બહાર કાર્યકરોનું શક્તિપ્રદર્શન
ઉદ્ધવ ઠાકરેએ તેમના સમર્થકોને ધીરજ રાખવા અને આગામી ચૂંટણીની તૈયારી કરવા આગ્રહ કર્યો હતો.ઉલ્લેખનીય છે કે બીએમસીની ચૂંટણી ટૂંક સમયમાં જ યોજાશે.આ દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ મોટી ભીડને સંબોધી હતી.ઠાકરે પરિવારના ઘર માતોશ્રીની બહાર પાર્ટી કાર્યકરોએ શક્તિ પ્રદર્શન પણ કર્યું.
ઉદ્ધવ ઠાકરેએ પિતા બાલઠાકરેની સ્ટાઈલમાં કાર્યકરોને સંબોધ્યા
ઉદ્ધવ ઠાકરે આ દરમિયાન તેમની કારનું સનરુફ ખોલીને બહાર ઊભા રહ્યા હતા.આ રીતે લોકોને સંબોધીત કરી તેમણે પિતા બાલઠાકરેની પરંપરા નિભાવી હતી.બાલઠાકરે પાર્ટીના શરૂઆતના દિવસોમાં તેમની કારની છતમાંથી અનુયાયીઓને સંબોધતા હતા.ઉલ્લેખનીય છે કે ઉદ્ધવ ઠાકરેને મોટો આંચકો આપતા શુક્રવારે એકનાથ શિંદેને તેમની પાર્ટીની ઓળખ સોંપી દીધી જેને તેમના પિતાએ 1966માં સ્થાપિત કરી હતી.