ડીસા નગરપાલિકામાં ચૂંટાયેલા 13 સભ્યોએ વિવિધ સમિતિના ચેરમેનપદેથી રાજીનામાં ધરી દેતા રાજકીય ભૂકંપ સર્જાયો છે. નગરપાલિકા પ્રમુખના વહીવટથી નારાજ થઈ સામુહિક નિર્ણય લીધો હતો.
વ્યાપારી મથક ડીસામાં રાજકીય વિવાદ દિનપ્રતિદિન વધી રહ્યો છે.ત્યારે ભાજપ શાસિત ડીસા નગરપાલિકામાં પણ છેલ્લા એકાદ વર્ષથી વિવાદ ચાલી રહ્યો છે. ભાજપ શાસિત નગરપાલિકામાં હાલ પ્રમુખ તરીકે ભાજપના શિલ્પાબેન માળી વહીવટ કરી રહ્યા છે. એમના વહીવટ સામે નારાજગી દર્શાવી ભાજપના સિમ્બોલ પરથી ચૂંટાયેલા અગિયાર અને બે અપક્ષ સભ્ય મળી કુલ તેર સભ્યોએ વિવિધ સમિતિના ચેરમેનપદેથી રાજીનામુ શહેર ભાજપ પ્રમુખ સંજય બ્રહ્મભટ્ટને ધરી દેતા રાજકીય ભૂકંપ સર્જાયો છે. છેલ્લા એકાદ વર્ષથી પ્રમુખ સામે સભ્યોમાં અસંતોષ હતો.
અને જેને લઈને અનેક વખત ચૂંટાયેલા સભ્યોએ પ્રભારી તેમજ પ્રદેશ ભાજપ મહામંત્રી સમક્ષ રજૂઆત કરી ચુક્યા હતા. પરંતુ ભાજપ પાર્ટી દ્વારા કોઈ નિર્ણય ન લેવાતા આખરે આ તમામ સભ્યોએ શહેર ભાજપ પ્રમુખને રાજીનામુ ધરી દીધું હતું. ઉલ્લેખનીય છે કે, પાલિકામાં હમણાં મળેલી સાધારણ સભામાં સભ્યો અને ધારાસભ્ય વચ્ચે જાહેરમાં બોલાચાલી થઈ હતી. સાથે પ્રમુખ પાસે બોર્ડ ચલાવવા રજુઆત કરતા પ્રમુખ વાત સાંભળી ન હતી. જે બાદ ઉપપ્રમુખ કાંતિલાલ સોનીએ પણ રાજીનામું આપ્યું હતું. જોકે ધારાસભ્યની દરમ્યાનગીરીથી ઉપપ્રમુખએ રાજીનામુ પરત લીધું હતું. જ્યારે આજે ફરી 13 સભ્યો ના રાજીનામાં પડતાં ખળભળાટ મચી ગયો છે.
જિલ્લા ભાજપના અગ્રણીઓ સાથે બેઠક કરાશે
અમને આજે ચૂંટાયેલા સભ્યોએ વિવિધ સમિતિ પદેથી રાજીનામાં આપ્યા છે. એ રાજીનામાં અમે સ્વીકાર્યા છે. જોકે, જિલ્લા ભાજપના આગેવાનો સાથે બેઠક કરી યોગ્ય નિર્ણય લાવીશું. હાલ પાલિકાનો વહીવટ એકદમ સારો ચાલી રહ્યો છે. : સંજય બ્રહ્મભટ્ટ (પ્રમુખ, શહેર ભાજપ,ડીસા)
પાલિકાનો વહીવટ ખાડે ગયો છે
ડીસા પાલિકા હાલ અન્ય લોકો ચલાવી રહ્યા છે. પ્રમુખ ખુદ વહીવટ કરતા નથી અને વહીવટ ખાડે ગયો છે. જેના કારણે પાર્ટી બદનામ થઈ રહી છે. જેથી અમે સભ્યોએ અનેક વખત રજુઆત કરી હતી. છતાં નિર્ણયન આવતા આજે 13 સભ્યોએ વિવિધ સમિતિઓમાંથી રાજીનામુ આપ્યું છે. : રમેશભાઈ મજીરાણા (ચેરમેન, પાણી પુરવઠા)
કોણે કોણે રાજીનામાં આપ્યાં : 1. મંજુલાબેન કિરણભાઈ રાવલ (સમાજ કલ્યાણ ચેરમેન), 2. રમીલાબેન દિનેશભાઇ પ્રજાપતિ (ઇ એસ ટી ચેરમેન), 3. મણીબેન નાગજીભાઈ રાણા (સેનિટેશન કમિટી ચેરમેન), 4. ઉષાબેન ભદ્રેશભાઈ મેવાડા (ટ્રાન્સપોર્ટ કમિટી ચેરમેન), 5. અતુલભાઈ મફતલાલ શાહ (બાંધકામ કમિટી ચેરમેન), 6 કંચનબા સુરેન્દ્રસિંહ રાજપુર (ભૂગર્ભ ગટર કમિટી ચેરમેન), 7. જબુબેન દિનેશભાઇ રાજપૂત (શિક્ષણ કમિટી ચેરમેન), 8. નિલેશભાઈ હિંમતલાલ ઠક્કર (શાસક પક્ષ નેતા), 9. પલવીબેન કનુભાઈ જોશી (લીગલ કમિટી ચેરમેન), 10. અનિતાબેન વિજયભાઈ વાઘેલા (પાણીપૂરવઠા કમિટી સભ્ય), 11. પ્રવીણ ગોરધનજી માળી (પૂર્વ પ્રમુખ) દંડક), 12. રમેશભાઈ અમરાજી માજીરાણા (પાણીપૂર્વઠા સમિતિ ચેરમેન),13 નીલાબેન મોતીભાઈ પ્રજાપતિ (ફ્રુડ અને રોકર્ડ કમિટી ચેરમેન)