રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે રાજકીય પક્ષના કાર્યકર્તાઓ વચ્ચે મારામારીના કિસ્સાઓ સામે આવ્યા છે.ત્યારે કેટલાક અસામાજિક તત્ત્વોએ ભાજપના ઉમેદવારને માર માર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે.પાલીતાણાના ગરજીયા તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારોને માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ થયા છે. ભાજપના ઉમેદવારનો આક્ષેપ છે કે,તેને માર મારીને તાલુકા પંચાયતનું ફોર્મ ખેંચવા માટે ધમકી આપવામાં આવી છે.આ બાબતે ભાજપના ઉમેદવારે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસે ત્રણ લોકોની સામે ગુનો દાખલ કર્યો છે.
રિપોર્ટ અનુસાર ભાવનગરના પાલીતાણાના જરાજીયા તાલુકા પંચાયતના ઉમેદવાર તરીકે ભાજપે ચેતન ડાભીને ટિકિટ આપી છે.ચેતન ડાભી ડુંગરપુર ગામમાં પરિવારની સાથે રહે છે.ચેતન ડાભીનો આક્ષેપ છે કે,તેને કેટલાક અસામાજિક તત્ત્વોએ ભેગા મળીને માર માર્યો હતો.તાલુકા પંચાયતના ઉમેદવાર તરીકે ફોર્મ પરત ખેંચી લેવા ત્રણ ઇસમોએ ધમકી આપીને માર માર્યો હતો.આ બાબતે ચેતન ડાભીએ પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં અસામાજિક તત્ત્વો સામે ફરિયાદ નોંધાવી છે.તેથી પોલીસે ત્રણ ઇસમો સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી કરી છે.
આ બાબતે ભાજપના ઉમેદવાર ચેતન ડાભીનું કહેવું છે કે, મારા ગામના ત્રણ ઇસમો જેમાં નનકા ભાઈએ મારી આગળ એક ગાડી ઉભી રાખી દીધી.ત્યારબાદ ત્રણેય લોકોએ મારી પર હુમલો કર્યો અને ધમકી આપી હતી કે,કાલે તે તારું ફોર્મ ભર્યું છે તે પરત ખેંચી લેજે નહીં તો તને જાનથી મારી નાંખવામાં આવશે.આ લોકોએ મને ફોર્મ પાછું ખેંચી લેવાનું કહેતા મારા ગામના લોકોનું આ ષડ્યંત્ર હોય તેવું મને લાગી રહ્યું છે.મેં આ બાબતે ટાઉન પોલીસ સ્ટેશનમાં રાત્રે 1 વાગ્યે આ બાબતે ગુનો દાખલ કરાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી કોંગ્રેસ દ્વારા ભાજપના ઉમેદવારો પણ આક્ષેપ કરવામાં આવતા હતા કે, ભાજપના આગેવાનો અને ઉમેદવારો કોંગ્રેસના ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવા માટે દબાણ કરી રહ્યા છે.પણ હવે ભાજપના ઉમેદવારે કોંગ્રેસના ઉમેદવાર અને આગેવાનોએ ષડ્યંત્ર કરાવીને તેના પર હુમલો કરાવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે.ત્યારે હવે જોવાનું એ રહે છે કે,પાલીતાણા પોલીસની તપાસમાં શું ખુલાસો થાય છે.