સુરત પોલીસની મંજૂરી ન હોવા છતાં મંગળવારે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે પાસ દ્વારા વિવિધ 3 મુદ્દાને ધ્યાનમાં રાખીને તિરંગા યાત્રા કાઢી હતી.જેથી પાસ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.પોલીસે વિવિધ પોલીસ સ્ટેશનમાં 4 ગુના દાખલ કરી 100થી વધુ કાર્યકર્તાની ધરપકડ કરી હતી.
પાસ કન્વીનર ધાર્મિક માલવિયાએ જણાવ્યું કે,પાસે 26મીએ તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું.ખેડૂત વિરોધી 3 કાયદા રદ્દ કરવા,પાટીદાર આંદોલનમાં થયેલા કેસો પાછા ખેંચવા તેમજ વરાછામાં સરકારી કોલેજ કરવા જેવા મુદ્દાઓને સાથે લઈને યાત્રા કાઢવા પાસે સરથાણા પોલીસ પાસે મંજૂરી માંગી હતી.પરંતુ પોલીસે વિવિધ કારણોને ધ્યાનમાં રાખીને યાત્રાને મંજૂરી આપી ન હતી.
સરથાણા પોલીસે સિમાડાનાકા પાસે યાત્રા કાઢવા ભેગા થયેલા 11ને પકડી ગુનો દાખલ કર્યો છે.કાપોદ્રા પોલીસે એ.કે.રોડ પર સૌરાષ્ટ્ર સોસાયટીની વાડી પાસેથી અલ્પેશ કથીરીયા,ધાર્મિક માલવિયા,કોર્પોરેટર દિનેશ કાછડિયા તેમજ 10 મહિલા સહિત 50ની ધરપકડ કરી છે. તેમજ વરાછા પોલીસે બરોડા પ્રિસ્ટેજ પાસે યાત્રા કાઢવા ભેગા થયેલા 9ની ધરપકડ કરી હતી. પોલીસે જાહેરનામા ભંગ,એપેડેમિક એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
કાપોદ્રામાં મહિલા કાર્યકરે PSIને તમાચો માર્યો,તમામને હેડ ક્વાર્ટર લઈ જવાયા
ધરપકડ કરાયેલા પાસના તમામ કાર્યકર્તાઓને પોલીસ હેડ ક્વાર્ટર લઈ ગઈ હતી.ત્યાં સાંજે તમામને જામીન પર મુક્ત કર્યા હતા.


