અમદાવાદ : અમદાવાદના પોશ વિસ્તારમાં રહેતા ધનિક પરિવારનો ૧૦ વર્ષનો પુત્ર ડેવિડ માતા-પિતાના ઝઘડાને કારણે અટવાયો હતો.માતા જૂલી અને પિતા જ્હોન વચ્ચેની તકરાર કોર્ટ સુધી પહોંચી હતી. જૂલી નવું જીવન શરૂ કરવા અખાતી દેશમાં સેટલ થઇ ગઇ અને જ્હોન અમદાવાદમાં પોતાનો બિઝનેસ સંભાળતો હતો.કોર્ટના આદેશથી પુત્ર ડેવિડનો કબજો માતા જૂલીને મળ્યો પરંતુ કાયદાની આંટીઘૂંટીને કારણે ડેવિડનો પાસપોર્ટ ઇશ્યૂ થતો નહોતો.આખરે આ બાબત પાસપોર્ટ ઓફિસરના સિનિયર અધિકારીઓ સુધી પહોંચી હતી અને તેમની દરમિયાનગીરીથી ડેવિડના પાસપોર્ટ માટે જૂલી અને જ્હોન પાસપોર્ટ ઓફિસમાં ભેગા થયા.જ્હોનના એનઓસીથી પાસપોર્ટ ઇશ્યૂ થયો અને લગભગ દોઢેક વર્ષથી માતાથી દૂર રહેલો ડેવિડ આખરે માતા પાસે જઇ શક્યો હતો.
આ બનાવની જાણવા મળતી વિગતો એવી છે કે અમદાવાદના પોશ વિસ્તારમાં રહેતા બિઝનેસમેન જ્હોનના લગ્ન તેની પસંદગીની યુવતી જૂલી સાથે થયા હતા.લગ્નના થોડા સમય બાદ તેમના ઘરે પુત્ર ડેવિડનું આગમન થયું.જૂલી અને જહોન અમદવાદમાં પોતાનો નાનકડો બિઝનેસ ચલાવતા હતા.ડેવિડ સાતેક વર્ષનો થયો ત્યારથી જૂલી અને જહોન વચ્ચે તકરારો શરૂ થઇ ગઇ.બન્ને ભણેલા ગણેલા હતા,સમજુ હતા એટલે થોડા સમય જૂલીએ પોતાના માતા પિતાના ઘરે રહી કામકાજ ચાલુ રાખ્યું.ત્યાર બાદ તેઓ ફરીથી સાથે રહેવા લાગ્યા.ફરીથી તકરાર શરૂ થઇ ગઇ અને તે કોર્ટ સુધી પહોંચી ગઇ.
કોર્ટના આદેશથી ડેવિડનો કબજો જૂલીને મળ્યો.બીજી તરફ,જૂલીએ અખાતી દેશમાં જઇને પોતાની નવી કામગીરી શરૂ કરી.ડેવિડ તેના મોસાળમાં હતો.જૂલી વિદેશમાં સેટ થઇ જતાં તેણે પુત્ર ડેવિડને પણ સાથે લઇ જવાની વ્યવસ્થા કરી.હવે ડેવિડના માતા-પિતા વચ્ચેની તકરારને લઇને તેનો પાસપોર્ટ ઇશ્યૂ કરવામાં તકલીફ થતી હતી.જૂલીએ ઘણા પ્રયાસો કર્યા.આખરે તેણે પાસપોર્ટ ઓફિસના અધિકારીઓને સંપર્ક કરી પોતાની સમસ્યા જણાવી.
જોકે,આવી સમસ્યા ઘણા પરિવારોની હોય છે.કાયદાની જોગવાઇ મુજબ પિતાની હાજરી અને એનઓસી હોય તો જ ડેવિડનો પાસપોર્ટ ઇશ્યૂ થાય.ડેવિડની પાસપોર્ટ એપ્લિકેશનના અનુસંધાનમાં પાસપોર્ટ ઓફિસના અધિકારીઓએ અંગત રસ લેતાં ડેવિડના પિતા જહોન પાસપોર્ટ ઓફિસ પહોંચ્યા અને પુત્રના પાસપોર્ટની ફોર્મલિટી પૂરી કરી.અધિકારીની રૂબરૂમાં એનઓસી આપતાં ડેવિડને પાસપોર્ટ ઇશ્યૂ થયો અને આખરે તે માતા પાસે જઇ શક્યો.(પાસપોર્ટ ઓફિસની વિનંતીને ધ્યાનમાં લઇને પાત્રોના નામ બદલ્યા છે)