અમદાવાદ : ગુજરાતના શહેરોના ઘરઘરના રસોડામાં મોટા પ્રમાણમાં વપરાવા માંડેલા પાઈપ્ડ નેચરલ ગેસ-પીએનજીના ભાવમાં અદાણી ગેસે સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટરદીટ એકાએક રૂા.૨૮નો વધારો કરી દીધો છે. તેને પરિણામે રસોડામાં વપરાતા પીએનજી ગેસના બિલમાં સરેરાશ રૂા.૨૦૦ની આસપાસનો વધારો દરેક ઘરે વેંઢારવો પડશે.ખાનગી મોટર,સરકારી બસ અને ઓટોરિક્ષામાં વપરાતા કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ-સીએનજીના કિલોદીઠ ભાવમાં પણ અદાણી ગેસે રૂા.૧.૩૧નો વધારો ઝીંક્યો છે.
સીએનજીનો કિલોદીઠ ભાવ વધીને રૂા.૮૩.૯૦નો થઈ ગયો છે.ગુજરાતના ૧૦ લાખથી વધુ ખાનગી મોટર,ઓટો રિક્ષા ચાલકોનો ખર્ચબોજ વધશે.બીજીતરફ સીએનજીની ગુણવત્તા અંગે પણ સવાલ થાય તેવી સ્થિતિ છે.સીએનજીના વપરાશકારોને છેલ્લા થોડા મહિનાઓની એવરેજ પણ બહુ જ ઓછી મળી રહી હોવાથી તેમને બમણો માર પડી રહ્યો છે.ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ભાવ વધારવામાં આવતા આ વધારો કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.


