પટના : બિહારની રાજધાની પટનામાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા(પીએફઆઇ)ના એક બિલ્ડિંગમાં બાંગ્લાદેશી આતંકી સંગઠન જમીયત-ઉલ-મુજાહિદ્દીન(જેએમબી)ના મોડયૂલ પર ભારતીય યુવાઓને આતંકવાદની તાલિમ આપવામાં આવી રહી હોવાનું ખુલ્યું છે.માર્શલ આર્ટના બહાને હથિયારો ચલાવવા અને હિંસા ફેલાવવાની તાલિમ આપવામાં આવી રહી હતી.હવે આ મામલાની તપાસ એનઆઇએ દ્વારા કરવામાં આવી શકે છે.
સાથે જ આ મામલામાં ધરપકડ કરાયેલાઓની પૂછપરછમાં અન્ય મોટા ખુલાસા પણ થયા છે.પટના ટેરર મોડયૂલમાં થયેલા ખુલાસા મુજબ ગજવા-એ-હિન્દ નામનું ગ્રુપ બનાવીને તેમાં પાકિસ્તાનીઓને જોડવાનું કાવતરુ ઘડાયંુ હતંુ. પોલીસે ફુલવારી શરીફના એક વ્યક્તિની ધરપકડ કરી છે પોલીસનો દાવો છે કે આરોપી ઇલિયાસ તાહિર ગજવા-એ-હિન્દ ગ્રુપ બનાવીને તેમાં પાકિસ્તાનીઓને સામેલ કરતો હતો.આ મામલામાં કુલ પાંચ જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે.
છેલ્લા બે મહિનાથી આ આરોપીઓની પાસે અન્ય રાજ્યોમાંથી પણ કેટલાક લોકો મળવા આવતા હતા.આવનારા લોકો હોટેલમાં બૂકિંગ અને ટિકિટ બીજાના નામે લેતા હતા.જે પણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી તેમાંથી એક મોહમ્મદ જલાલુદ્દીન ઝારખંડ પોલીસમાં સેવા આપી ચુક્યો છે.જ્યારે અન્ય આરોપી અતહર પરવેઝ પટનાના ગાંધી મેદાનના બોમ્બ બ્લાસ્ટના આરોપીનો સગો છે.
એક તરફ પટનામાં પોલીસ અને એજન્સીઓ ટેરર મોડયૂલની તપાસ કરી રહી છે જેમાં અનેકની ધરપકડ કરાઇ છે.ત્યારે બીજી તરફ આ જ પટનામાં એસડીપીઆઇના કાર્યાલય પર દરોડા દરમિયાન પોલીસને કેટલાક પોસ્ટરો મળ્યા છે જેમાં તીસ્તા સેતલવાડ,અલ્ટન્યૂઝના મોહમ્મદ ઝૂબૈર અને શ્રી કુમારની તસવીરો છે.
આ પોસ્ટરોમાં આ ત્રણેયને છોડી મુકવાની અપીલ કરવામાં આવી છે.સાથે જ ભાજપની તાનાશાહીને હરાવવાની વાત પણ કરવામાં આવી છે.પોલીસનો દાવો છે કે ધરપકડ કરાયેલા તાહિરના પરિવારના કેટલાક લોકો પાકિસ્તાન સાથે જોડાયેલા છે.મોબાઇલ તપાસમાં સામે આવ્યું છે કે કેટલાક વોટ્સએપ ગ્રુપ બનાવીને દેશવિરોધી કાર્યો કરાઇ રહ્યા હતા.પાકિસ્તાનમાં બેસીને ફૈઝાન નામનો શખ્સ ધરપકડ કરાયેલા તાહિર સાથે વાત કરતો હતો.વોટ્સએપ ગ્રુપમાં પાક.,યમનના નંબરો પણ જોડાયેલા હતા.