પીરાણા સહિત દક્ષિણ ઝોનમાં ગેરકાયદે બાંધકામો પર બૂલડોઝર : 13 દુકાન તોડાઇ

HM News
2 Min Read

અમદાવાદ : શહેરભરનો કચરો જ્યાં ઠલવાય છે તેવી પીરાણા ડમ્પ સાઇટ અને ગ્યાસપુર ખાતેની મ્યુનિ.ની ૧૦૦ એકરથી વધુ જમીન ઉપર થઇ ગયેલાં દબાણો હટાવવા મ્યુનિ.સત્તાધીશોની તાકીદ બાદ દક્ષિણ ઝોન એસ્ટેટ ખાતાએ પીરાણા સહિત દક્ષિણ ઝોનમાં ગેરકાયદે બાંધકામો ઉપર બૂલડોઝર ફેરવવાનુ શરૂ કરીને ૧૩ દુકાનો અને એક શેડ તોડી પાડી ઝુંબેશનો પ્રારંભ કર્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર,દક્ષિણ ઝોનનાં તમામ વોર્ડમાં નાના-મોટા રહેણાંક તથા કોમર્શિયલ પ્રકારનાં ગેરકાયદે બાંધકામોનો રાફડો ફાટ્યો છે અને તેમાંથી એસ્ટેટ-ટીડીઓ ખાતુ અને કેટલાક કહેવાતા કાર્યકરો-આરટીઆઇ એક્ટિવિસ્ટ પોતપોતાનો હિસ્સાનો પ્રસાદ મેળવી રહ્યાં છે,પરંતુ ચોંકાવનારી વાત એ છે કે પીરાણા અને ગ્યાસપુર વિસ્તારમાં મ્યુનિ.ની જ ૧૦૦ એકરથી વધુ જમીન ઉપર જાતજાતનાં દબાણો કરીને કેટલાય લોકો કમાણી કરી રહ્યા છે તેની તરફ પણ આંખ આડા કાન કરવામાં આવી રહ્યાં છે.પીરાણા ડમ્પ સાઇટ આસપાસ થયેલાં દબાણો દૂર કરવા માટે સોલીડ વેસ્ટ ખાતાએ પણ અનેકવાર લેખિતમાં દક્ષિણ ઝોન એસ્ટેટ ખાતાને રજૂઆતો પાઠવી છે.

પીરાણા અને ગ્યાસપુરમાં મ્યુનિ.૧૦૦ એકરથી વધુ જમીન ઉપર થયેલાં દબાણ અંગે‘નવગુજરાત સમય’માં પ્રસિધ્ધ થયેલાં સમાચારને ગંભીરતાથી લઇને મ્યુનિ.ભાજપનાં હોદ્દેદારો તથા ઉચ્ચ અધિકારીઓએ દબાણો દૂર કરવા તાકીદ કરી હતી.તેના પગલે દક્ષિણ ઝોન એસ્ટેટ ખાતાએ સુએજ ફાર્મ ડમ્પ સાઇટ અંબિકા ટેક્સ્ટાઇલ સામે ગેરકાયદે બનાવી દેવાયેલી આઠ દુકાનોને નિયમ મુજબ નોટિસો ફટકારી હતી.તેમ છતાં દુકાનોનાં દબાણો દૂર નહિ કરાતાં એસ્ટેટ ખાતાએ દાણીલીમડા પોલીસનો બંદોબસ્ત મેળવીને આઠ દુકાનો ઉપર બૂલડોઝર ફેરવી નાખ્યું હતું.દક્ષિણ ઝોન એસ્ટેટ ખાતાએ પીરાણા અને ગ્યાસપુર આસપાસનાં વિસ્તારોમાં પણ ગેરકાયદે બાંધકામો ઉપર તવાઇ ઉતારવાની ઝુંબેશને વેગ આપતાં બહેરામપુરા ચંડોળા તળાવ સામે આવેલા સિકંદર માર્કેટમાં ગેરકાયદે બાંધી દેવાયેલી પાંચ દુકાનો અને એક શેડનાં માલિકોને નોટિસ ફટકારી હતી,સંવેદનશીલ વિસ્તાર હોઇ

મ્યુનિ.એસ્ટેટ ખાતાએ ફરી દાણીલીમડા પોલીસનો બંદોબસ્ત મેળવીને ગેરકાયદે બાંધકામ જમીનદોસ્ત કરી નાખ્યા હતા.એકંદરે બે દિવસમાં દક્ષિણ ઝોન એસ્ટેટ ખાતાએ ૧૩ દુકાનો ઉપર બૂલડોઝર ફેરવી દીધુ હતું.જોકે,પીરાણા અને ગ્યાસપુર ખાતેની મ્યુનિ.ની ૧૦૦ એકરથી વધુ જમીન ઉપર થયેલાં કોમર્શિયલ પ્રકારનાં દબાણો સામે વ્યાપક ઝુંબેશ ક્યારે હાથ ધરાશે તેવો સવાલ મ્યુનિ.વર્તુળોમાં ચર્ચાઇ રહ્યો છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *