મુંબઇ : પુણે જિલ્લાના શિરુરમાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં શિરુર વિસ્તારમાં ેજમાઇએ પત્ની અને સાસુ પર ગોળીબાર કરતા પત્નીનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે સાસુ ગંભીર ઘવાતા તેને વધુ સારવાર માટે પાસેની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ગોળીબારની ઘટના બાદ આરોપી જમાઇ ફરાર થઇ ગયો હતો.જો કે પોલીસની એક ટીમે આરોપી જમાઇનો પીછો કરી પુણે નાશિક રોડ પરથી આરોપી જમાઇ અને તેના ભાઇની ધરપકડ કરી હતી.
આ સંદર્ભે વધુ વિગતાનુસાર આરોપી દિપક ઢવળે(૪૫)સેનાનો નિવૃત જવાન છે.તે તેના ભાઇ સાથે થાણેના અંબરનાથથી રિક્ષામાં શિરુર આવ્યો હતો.ઢવળેનો તેની પત્ની મંજૂરા સાથે છુટાછેડાનો કેસ ચાલી રહ્યો હતો.ભરણ-પોષણની રકમને મુદ્દે બંને વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો.દરમિયાન ઢવળેએ કોર્ટ પરિસરમાં જ પત્ની મંજૂરા અને સાસુ તુલસાબાઇ ઝાંબરે પર ગોળીબાર કર્યો હતો.આ ગોળીબાર કર્યા બાદ ઢવળે અને તેનો ભાઇ રિક્ષામાં બેસી ભાગી છૂટયા હતા.આ ઘટનાની જાણ થતા જ પોલીસની એક ટીમે રિક્ષાનો પીછો કરી પુણે-નાશિક રોડ પરથી ઢવળે અને તેના ભાઇને પકડી પાડયા હતા.બીજી તરફ કોર્ટ પરિસરમાં જ ગોળીબાર થતા ખળભળાટ મચી ગયો હતો.ગોળી વાગવાથી લોહીના ખાબેચીયામાં ઢળી પોલ મંજૂરાનું ઘટના સ્થળે જ મોત થયું હતું.જ્યારે સાસુ તુલસાબાઇ ગંભીર ઇજા પામતા તેને વધુ સારવાર માટે પાસેની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.પોલીસે આરોપી ઢબળે પાસેથી તેની લાયસન્સ ધરાવતી ગન પણ જપ્ત કરી હતી.