અમદાવાદ : એક અત્યંત હૃદયવિદારક કેસમાં વૃદ્ધ નાના-નાનીએ હાઇકોર્ટ સમક્ષ હેબિયસ કોર્પસ અરજી કરીને તેમના દોહિત્રની કસ્ટડીની દાદ માંગી છે.તેમની રજૂઆત છે કે તેમની પુત્રીએ સાસરિયાંના ત્રાસની આપઘાત કરી લેતાં હાલ તેમનો દોહિત્ર કે જેની ઉંમર માત્ર ત્રણ વર્ષ છે તે ભારે આઘાત અને હાલાકીમાં મૂકાયો છે.તેમની મૃત પુત્રીનો પતિ જેલમાં છે અને અન્ય સાસરિયાં પણ ભાગી રહ્યા છે.તેથી તમામ સંજોગો અને બાળકના હિતને ધ્યાનમાં રાખતા તેની કસ્ટડી નાના-નાનીને સોંપવામાં આવે.હાઇકોર્ટે આ મામલે પ્રતિવાદીઓને નોટિસ પાઠવીને કેસની સુનાવણી ૨૯મી જૂને રાખી છે.
જ્યારે નાના-નાની ઘટનાસ્થળે પહોંચ્યા હતા ત્યારે સાસરિયા વાળા બાળકની કસ્ટડી લઇને ભાગી છૂટ્યા હતા.ત્યારબાદ તેઓ મૃતકની નણંદને બાળકની કસ્ટડી આપીને પાછા નાસી ગયા હતા.દરમિયાન મૃતક મહિલાના પતિ અને અન્ય સાસરિયાંની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને હાલ તેમાંથી મોટાભાગના જેલમાં છે.તેથી નાના-નાનીએ એડવોકેટ ચિરાગ પ્રજાપતિ મારફતે હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી કરીને એવી દલીલ કરી છે કે,‘તેમના દોહિત્રની કસ્ટડી તેમની મૃતક પુત્રીની નણંદ જોડે છે અને તેમની સાથે દોહિત્રની કોઇ પણ પ્રકારની લાગણી જોડાયેલી નથી.જ્યારે નાના-નાની અને મામા સાથે તે જોડાયેલો છે.તેથી દોહિત્રની કસ્ટડી હાલ નાના-નાનીને સોંપવી જોઇએ.’
સમગ્ર મામલો ગાંધીનગર ખાતેના આદરજ મોટી ગામનો છે.જ્યાં થોડાક દિવસ અગાઉ એક યુવાન પરિણીતાએ ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો અને તેની પાછળનું કારણ પતિ અને સાસરિયાં વાળાઓનો માનસિક અને શારીરિક ત્રાસ હતું.આપઘાતની દુષ્પ્રેરણા અંગે મૃતક યુવતીના પિતા કે જેઓ ગાંધીનગરના પોર ગામ ખાતે રહે છે તેમણે પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.જેમાં જણાવ્યું છે કે તેમની ૨૭ વર્ષની દીકરીના લગ્ન છ વર્ષ પહેલાં ગોવિંદ નામના યુવક સાથે થયા હતા.લગ્નજીવનમાં તેમને એક પુત્રનો જન્મ થયો હતો.જે હાલ ત્રણ વર્ષનો છે.જોકે તેના પતિ અને સાસરિયાં તરફથી માનસિક અને શારીરિક ત્રાસ અપાતો હોવાથી તેમની દીકરીએ ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.અગાઉ પણ તેણે આપઘાતની વાત કરતાં માતા-પિતાએ તેને સમજાવી હતી.પરંતુ તેના પર જે ત્રાસ ગુજારવામાં આવતો હતો તેનાથી કંટાળી અને થાકીને તેણે અંતિમ પગલું ભર્યું હતું.તેમની દીકરી હવે આ દુનિયામાં નથી અને જમાઇ જેલમાં છે.તે ઉપરાંતના અન્યો પણ જેલમાં હોવાથી ત્રણ વર્ષના દોહિત્રની કસ્ટડી તેમને સોંપવાની દાદ માંગવામાં આવી છે.