અમદાવાદ : વટવા જીઆઇડીસી માર્ગ પર વિમળા હોસ્પિટલ પાસેના મુખ્ય માર્ગ પર ગટરના ચેમ્બરનું ઢાંકણું તૂટેલી હાલતમાં પડયું છે.ભારે વાહનોની અવરજવળ વાળા આ રોડ પર ક્ષતિગ્રસ્ત આ ગટર જોખમી બનવાની ભીતિ સેવાઇ રહી છે.પૂર્વ અમદાવાદમાં આવી તો અનેક જગ્યાઓ છેકે જ્યાં હજુ સુધી ગટરના ઢાંકણા લગાવવામાં આવ્યા નથી.
પૂર્વમાં ગટર લાઇનની મરામતની સાથે તૂટેલી ઢાંકણાઓ બદલીને નવા નાંખવાની કામગીરીમાં વેઠ ઉતારાઇ રહી હોવાનું અનેક જગ્યાઓએ જોવા મળી રહ્યું છે.ચોમાસામાં વરસાદી પાણી ભરાતા આ ગટરની ચેમ્બરો જોખમી બની જતી હોય છે.
રાહદારીનો પગ તેમાં ફસાઇ જાય અને લોહીલુહાણ થાય તેવી પણ શક્યતા રહેલી છે.સોનીની ચાલીથી સિંગરવા ગામ સુધીના રોડ પર,ઓઢવમાં અંબિકાનગર,અર્બુદાનગર વિસ્તારમાં,વિરાટનગરથી ખારીકટ કેનાલના પટ્ટાના વિસ્તારમાં અનેક જગ્યાઓ એવી છેકે જ્યાં ગટરના ઢાંકણા તૂટેલી હાલતમાં હજુ પડયા છે.
મ્યુનિ.તંત્ર દ્વારા મોટાભાગના વિસ્તારોમાં ગટરના નવા ઢાંકણા નાંખવાની કામગીરી કરાઇ છે પરંતુ અમુક વિસ્તારોમાં આ કામગીરી હજુ બાકી છે.જોખમના સિગ્નલો મુકીને વાહનચાલકોને સાચવીને અવર-જવર કરવાના સેંકેત અપાઇ રહ્યા છે.રહીશોની માંગણી છેકે તૂટેલી,રોડ લેલવથી ઉંચા-નીચા હોય તેવી ગટર લાઇનની મરામત કરવામાં આવે.વરસાદી પાણી ભરાવાની સ્થિતિમાં આ ગટરો જોખમી પુરવાર થવાની સંભાવના છે.નોંધપાત્ર છેકે દર વર્ષે ગટરમાં પડી જતા ઇજા પામવાના અનેક બનાવો બનતા હોય છે.


