ગુજરાતમાં ત્રીજી નવેમ્બરે યોજાનારી પેટાચૂંટણીમાં મતદાન કંગાળ થાય તેવો ભય ભાજપ અને કોંગ્રેસ એમ બન્ને પાર્ટીના પ્રદેશ નેતાઓ સેવી રહ્યાં છે.આમ પણ પેટાચૂંટણી આવે છે ત્યારે મતદાન 45 ટકાથી વધતું નથી ત્યારે કોરોના સંક્રમણના સમયે મતદાન 40 ટકા કે તેનાથી ઓછું થાય તેવો આઇબીનો રિપોર્ટ સરકારમાં સબમીટ થયો છે.
રાજ્યમાં વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકો માટે 3જી નવેમ્બરે મતદાન છે જ્યારે ઉમેદવાર પસંદગી અને ફોર્મ ભરાવાની પ્રક્રિયા ઓક્ટોબરના મધ્યમાં પૂર્ણ થશે ત્યારે ઉમેદવારો તેમજ પાર્ટીઓને ચૂંટણી પ્રચાર માટે માત્ર 11 દિવસ મળવાના છે.આ દિવસોમાં ડોર ટુ ડોર પ્રચાર થશે નહીં તેથી ભાજપે તો સોશ્યલ મિડીયા પર ચૂંટણી પ્રચાર કરવાનું નક્કી કર્યું છે.રેલી કે સભામાં મોટી ભીડ એકત્ર કરી શકાશે નહીં તેવો આદેશ હોવાથી આ વખતે રેલીમાં પણ સામાન્ય જનતા જોડાશે નહીં.
આ વખતે ભારતના ચૂંટણી પંચ તરફથી એક ગાઇડલાઇન નક્કી થઇ છે,જેમાં વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગો માટે અલગ મતદાન વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. એ સાથે જ કોરોના દર્દીઓને મતદાન માટેની વ્યવસ્થા અલગ કરવામાં આવી છે.મતદારો ટપાલ દ્વારા પણ મતદાન કરી શકશે પરંતુ તે માટે અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
કોરોના પ્રભાવિત નાગરિકોએ મતદાન કરવા માટે અરજી કરવી પડશે પરંતુ આ પ્રક્રિયા દર્દીઓ કેવી રીતે કરશે તે મોટો પ્રશ્ન છે.ગુજરાતમાં 9મી ઓક્ટોબરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે પરંતુ ટોળાશાહીમાં ફોર્મ નહીં ભરાય.ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16મી ઓક્ટોબર રાખવામાં આવી છે.19મી ઓક્ટોબરે ફોર્મ પાછું ખેંચી શકાશે,એટલે કે ચૂંટણીનો માહોલ 20મી ઓક્ટોબરથી શરૂ થશે જે 11 દિવસ સુધી ચાલશે.પહેલીવાર ઉમેદવારો બઘાં મતદારો સુધી પહોંચી શકશે નહીં.
ગુજરાતમાં અબડાસા,મોરબી,કપરાડા,ગઢડા,ધારી,ડાંગ,લીમડી અને કરજણ બેઠકોની પેટાચૂંટણી થવાની છે.આ આઠ બેઠકોમાં કોંગ્રેસના ઉમેદવારો ચૂંટાઇને ધારાસભ્ય બન્યાં હતા.અત્યારે વિધાનસભામાં ભાજપની સભ્યસંખ્યા 103,કોંગ્રેસની 65,બીટીપીની બે,એનસીપીની એક અને એક અપક્ષની છે.રાજ્યમાં પહેલીવાર એવું થશે કે કોરોના સંક્રમણ સમયે વિધાનસભાની ચૂંટણી આવી છે ત્યારે મતદારોમાં કોરોનાનો ભય હોવાથી મતદાન કંગાળ થાય તેવો પાર્ટીના નેતાઓને ડર છે.


