નવી દિલ્હી તા.7 : પાંચ રાજયોની વિધાનસભા ચૂંટણીઓએ દાટ વાળ્યો હોય તેમ સમગ્ર દેશ કોરોનાની લહેરમાં સપડાયો જ છે અને હવે પેટ્રોલ-ડીઝલમાં પણ તેજીની આગ શરુ થઈ છે.આજે સતત ચોથા દિવસે બન્ને ઈંધણ મોંઘા થયા હતા.મધ્યપ્રદેશ તથા રાજસ્થાનમાં તો પ્રીમીયમ પેટ્રોલ 100ને પાર થઈ ગયુ છે.દેશના વિવિધ ભાગોમાં પેટ્રોલમાં સરેરાશ 25થી28 પૈસા તથા ડીઝલમાં 30થી33 પૈસાનો ભાવવધારો થયો છે.મુંબઈમાં પેટ્રોલ 97.61 તથા ડીઝલ 88.82 થયુ છે.દિલ્હીમાં તે ભાવ અનુક્રમે 91.27 તથા 81.73 રહ્યો હતો.
રાજસ્થાન તથા મધ્યપ્રદેશમાં પેટ્રોલનો ભાવ 100ને વટાવી ગયો હતો.રાજસ્થાનના ગંગાનગરમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂા.101.43 તથા ડીઝલનો રૂા.93.54 થયો હતો.મધ્યપ્રદેશના અનુપનગરમાં પેટ્રોલ 100ની સપાટી વટાવીને 101.15 તથા ડીઝલ 91.56 થયુ હતું.આંતરરાષ્ટ્રીય બજારોમાં કિંમતોમાં વધારાના પગલે આજે સતત ચોથા દિવસે ઓઈલ વિતરણ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વૃદ્ધિ કરી છે.આજે 27 પૈસા પેટ્રોલ અને 34 પૈસા ડીઝલમાં વધારો ઝીંકયો છે.આજે પેટ્રોલ રૂા.88ને પાર પહોંચ્યું છે.
ગત એપ્રિલના મધ્યાહન બાદ મે ના પ્રારંભીક ત્રણ દિવસો સુધી પેટ્રોલ-ડીઝલના ભાવ 18 દિવસ સુધી સ્થિર રહ્યા બાદ કિંમતોમાં વધારો થતા હાલ કોરોના લહેરની આફત વેળાએ બેરોજગારીમાં લોકોને ના છૂટકે મોંઘુ પેટ્રોલ-ડીઝલ ખરીદવું પડે છે.સતત ચોથા દિવસે કિંમતોમાં વધારો થતા આજે 27 પૈસાના વધારા સાથે રૂા.88.14 પેટ્રોલ અને 34 પૈસાના વધારા સાથે રૂા.87.79 ડીઝલ (રાજકોટ શહેર) વેચાણમાં છે.
કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલની વેચાણ કિંમત 60 ટકા અને ડીઝલ વેચાણ કિંમતના 54 ટકા એકસાઈઝ ડયુટી વસુલવામાં આવે છે.હાલ કોરોના સમયમાં વેપાર ધંધા રોજગારીને મોટો ફટકો પડયો છે. ત્યારે સરકાર અને ઓઈલ કંપનીઓ કિંમતોમાં ઘટાડાના બદલે સતત વૃદ્ધિ કરતા લોકોના આર્થિક બોજમાં વધારો થયો છે.સતત ચાર દિવસથી પેટ્રોલ-ડીઝલ મોંઘા થતા સામાન્ય વાહન ચાલકોથી માંડીને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પર ભારણ વધી ગયું છે અને નવેસરથી ઉહાપોહ થવાની આશંકા છે.ચાર દિવસમાં રાજકોટ ખાતે પેટ્રોલ 78 પૈસા તથા ડીઝલમાં રૂા.1.02નો વધારો થયો છે.આવતા દિવસોમાં આવશ્યક સહિતની ચીજોની મોંઘવારી-ફુગાવા પર અસર થઈ શકે છે.

