– ઇઝરાયલ અને હમાસ વચ્ચે પાછલા અમુક દિવસોથી ચાલી રહ્યો છે હિંસક સંઘર્ષ
ઇઝરાયલ અને ગાઝાના પેલેસ્ટાઇની ચરમપંથીઓ વચ્ચે સતત દસમા દિવસે પણ હિંસક સંઘર્ષ ચાલી રહ્યો છે.ઇઝરાયલનું કહેવું છે એણે પેલેસ્ટાઇની ચરમપંથી સંગઠન હમાસના કમાન્ડરોનાં ઘરો પર હુમલા કર્યા છે.ઇઝરાયલનું કહેવું છે કે એણે હમાસના સૈન્ય પ્રમુખ મોહમ્મદ દેઇફને મારવાની અનેકવાર કોશિશ કરી.મંગળવારે રાત્રે થયેલા હુમલામાં બે ચરમપંથીઓ માર્યા ગયા.બીજી તરફ ઇઝરાયલ ઉપર રૉકેટ હુમલાઓ થયા છે. હમાસનું કહેવું છે કે એણે દક્ષિણમાં એક ઍરબેઝને નિશાન બનાવ્યું છે.
બેઉ પક્ષો વચ્ચે યુદ્ધવિરામ થાય તેની કોશિશ થઈ રહી છે પરંતુ હજી તેમાં કોઈ ખાસ પ્રગતિ થતી દેખાઈ નથી રહી.ફ્રાન્સે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ઇજિપ્ત અને જોર્ડન સાથે મળીને હિંસા અટકાવવા માટેનો એક પ્રસ્તાવ રજૂ કર્યો છે પણ તે ફક્ત એક મુસદ્દો માત્ર છે.સુરક્ષા પરિષદ એક સંયુક્ત નિવેદન જાહેર કરે એ મામલે અમેરિકા સતત અવરોધો ઊભા કરી રહ્યું છે.જોકે, અમેરિકાએ પણ યુદ્ધવિરામની અપીલ કરી છે.ગત દસ દિવસોથી ચાલી રહેલી હિંસામાં કમ સે કમ 219 લોકો મૃત્યુ પામ્યા છે.ગાઝા પર આધિપત્ય ધરાવનાર હમાસના સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર મૃતકોમાં લગભગ 100 મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે.ઇઝરાયલનું કહેવું છે કે ગાઝામાં માર્યા જનારમાં કમ સે કમ 150 ચરમપંથીઓ સામેલ છે.હમાસે પોતાના લોકોનાં મૃત્યુ બાબતે કોઈ આંકડો આપ્યો નથી.
ઇઝરાયલ અનુસાર એમને ત્યાં 12 લોકો મૃત્યુ પામ્યા છે જેમાં બે બાળકોનો સમાવેશ થાય છે.ઇઝરાયલનું કહેવું છે કે ગાઝાથી ચરમપંથીઓએ એમની પર આશરે પોણા ચાર હજાર રૉકેટ છોડ્યાં છે.ઇઝરાયલના વડા પ્રધાન બિન્યામિન નેતન્યાહૂનું કહેવું છે કે “જ્યાં સુધી જરૂર હશે ત્યાં સુધી ગાઝામાં સેન્ય અભિયાન ચાલતું રહેશે.” એ સાથે જ દક્ષિણ ઇઝરાયલમાં અધિકારીઓએ કહ્યું કે, આ અભિયાન પૂર્ણ થવામાં “અનેક દિવસો” લાગી શકે છે.નેતન્યાહૂએ દાવો કર્યો છે કે આ વખતે હમાસને એવો ઝાટકો મળ્યો છે જેની એણે કલ્પના નહોતી કરી અને તે વર્ષો પાછળ ધકેલાઈ ગયું છે.
નેતન્યાહૂએ કહ્યું, “અમારી આસપાસના દુશ્મનો જોઈ શકે છે કે અમે અમારી વિરુદ્ધ હુમલો કરનાર પાસે શું કિંમત વસૂલીએ છીએ.” મંગળવારે રાત્રે પણ બેઉ પક્ષો વચ્ચે હુમલાઓ થતા રહ્યા.ઇઝરાયલની સેનાએ કહ્યું કે, એમના યુદ્ધવિમાનોએ હમાસનાં સૈન્ય ઠેકાણાં અને કમાન્ડરોનાં ઘરો પર હુમલાઓ કર્યા છે.ગાઝા સ્થિત સંવાદદાતા રશ્દી અબુઆલૂફનું કહેવું છે કે ઇઝરાયલનાં વિમાનોએ એક ઇમારતના ઍપાર્ટમૅન્ટ પર 70થી વધારે હુમલાઓ કર્યા જેના કારણે ત્યાં બે પેલેસ્ટાઇની ચરમપંથીઓનાં મૃત્યુ થયાં.સંવાદદાતા મુજબ,ગાઝાના ખાન યૂનસ વિસ્તારમાં 50 હુમલાઓ થયા અને ચરમપંથી સમૂહની ટ્રેનિંગ મથકો, હમાસનું એક સિક્યૉરિટી કમ્પાઉન્ડ, રસ્તાઓ અને ખેતરોને નિશાન બનાવવામાં આવ્યા.
ઇઝરાયલ સૈન્યના પ્રવક્તા બ્રિગ્રેડિયર જનરલ હિડાઈ જિલ્બરમૈને કહ્યું કે, “આ સમગ્ર અભિયાનમાં અમે મોહમ્મ્દ દેઇફને મારવાની કોશિશ કરી, અમે અનેક વાર પ્રયાસો કર્યાં.”
મોહમ્મદ દેઇફ હમાસની સૈન્ય શાખા ઇજ્જદી અલ-કસામ બ્રિગ્રેડના પ્રમુખ છે. એમની પર પહેલાં પણ અનેક વાર જીવલેણ હુમલાઓ થઈ ચુક્યા છે. છેલ્લે 2014માં છેડાયેલી લડાઈમાં પણ એમની પર હુમલો થયો હતો.તેઓ પરદાની પાછળ રહીને કામ કરે છે અને એમનાં ઠેકાણાં વિશે કોઈને ખબર નથી હોતી.