અમદાવાદ: પોપ્યુલર ગ્રુપના વિવાદાસ્પદ બિલ્ડર રમણ પટેલ અને તેમના નજીકના લોકોના 27 ઠેકાણાઓ પર છેલ્લા ઘણાં દિવસોથી ઇન્કમટેક્સ વિભાગની રેડ ચાલી રહી હતી,જેમાં અંદાજે 150 કરોડ રૂપિયાની બેનામી સંપત્તિનો ઘટસ્ફોટ થયો હતો,આઇટીને ટીમને 100 કરોડ રૂપિયાનું રિયલ એસ્ટેટ-જમીનમાં રોકાણ મળી આવ્યું છે,આઇટીની ટીમે અંદાજે 82 લાખ રૂપિયાની જ્વેલરી જપ્ત કરી છે રૂપિયા 77 લાખ રોકડા અને 82 લાખના દાગીના મળી આવ્યા છે.બેંકોના 22 લોકર મળી આવ્યા છે,નોકર,ખેડૂત,ડ્રાઈવરો અને સંબંધીઓના નામે સંપત્તિ કરી હોવાની વિગતો પણ સામે આવી છે.
સુનિધિ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ, સૂર્યમુખી કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ, સોમેશ્વર દર્શન કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ, શ્રી હનુમાન દર્શન સહકારી મંડળી,કુમકુમ નગર કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ, 13 કો.ઓપરેટિવ સોસાયટીના નામે કરોડો રૂપિયાની બેનામી સંપત્તિ અને દસ્તાવેજો મળી આવ્યા છે.આ ઉપરાંત અલગ-અલગ બેંકોના 22 લોકર મળી આવ્યા છે.જેમાં બેંક ઓફ મહારાષ્ટ્ર, કાંકરિયા-મણિનગર કો.ઓ. બેંકની સહી કરેલી કોરી ચેકબૂક પણ મળી છે.તો મહેસાણા અર્બન કો. ઓ. બેંક,સુરત ડિસ્ટ્રી કો.ઓ. બેંક, ADC બેંક સહિત કુલ 55 જેટલી બેંકની કોરી સહી કરેલી ચેકબૂક મળી છે.
પોપ્યુલર બિલ્ડર્સની 96 કંપનીઓમાં મોટાભાગની કંપનીઓના સરનામા સરખા છે,જુદી જુદી જગ્યાઓથી મોટા જથ્થામાં દસ્તાવેજો અને અન્ય કાગળો મળી આવ્યાં છે,જેના પરથી મોટી ટેક્સચોરીનો પર્દાફાશ થયો છે.ખાસ કરીને સહકારી મંડળીઓના નામે ખેતીની જમીનોની ખરીદી કરવામાં આવી છે.


