પોરબંદર, તા,. ર૦: પોરબંદરના જાણીતા ઉદ્યોગપતિ દક્ષિણ આફ્રિકાના મોઝામ્બીકના મોટા ગજાના ઉદ્યોગપતિ-દાનવીર રીઝવાન આડતીયાને અપહરણકારોએ છોડી મુકયા છે.૩ અઠવાડીયા પુર્વે તેઓ રસ્તા ઉપરથી પસાર થઇ રહયા હતા તેમની ગાડી આડે અપહરણકારો આવ્યા હતા અને તેમનું અપહરણ કરીને નાસી છુટયા હતા ત્યાર બાદ આજે તેમનો છુટકારો થયો છે.
આફ્રિકાના મોઝામ્બિકના માપુટો પાસે ૨૦ દિવસ પહેલાં રિઝવાન આડતિયાનું અપહરણ થયું હતું.આડતિયાની રેન્જ રોવર કાર જંગલમાં રેઢી મળી આવી હતી.૨૦ દિવસ બાદ હેમખેમ છુટકારો થતાં તેમના સ્વજનોમાં આનંદની લાગણી વ્યાપી છે.પોરબંદરમાં જન્મેલા અને મોઝામ્બિકમાં બિઝનેસના ઉંચા શિખર સર કરનારા રિઝવાન આડતિયાનું COGEF ગ્રુપ ૨ હજાર કરોડથી વધુનું ટર્નઓવર ધરાવે છે.આડતિયા સેવાકીય પ્રવૃત્ત્િ। માટે પણ પ્રખ્યાત છે.તાજેતરમાં તેમના જીવન પરથી ફિલ્મ પણ બની હતી.મૂળ પોરબંદરના ઉદ્યોગપતિ અને દાનવીર તરીકે વિખ્યાત રિઝવાન આડતિયાનું આફ્રિકાના માટોલા શહેરમાંથી અપહરણ થયા બાદ અપહરણકારોએ રિઝવાનના પરિવારનો સંપર્ક નહી કરતા ઘેરી ચિંતા થઇ હતી.રિઝવાન આડતિયાના અપહરણ બાદ મોટી રકમની ખંડણીની માંગણી અંગે પણ ચર્ચા થઇ હતી.આ અપહરણના સમાચારની ગુજરાત તથા ભારત સરકારે નોંધ લઇને રિઝવાનનો વહેલાસર છુટકારો થાય તે માટે પ્રયાસો શરૂ કર્યા હતા.
હાલ કોરોનાની પરિસ્થિતિને લીધે રિઝવાન આડતિયા પોતાના ડ્રાઇવર કે સિકયુરીટી વિના કાર ચલાવીને પરત આવી રહ્યા હતા ત્યારે એકલા હોવાની અપહરણકારોને બાતમીના આધારે તેમનો પીછો કરીને જમ્પો એકઝીટ પાસે તેમની કાર આડે આવીને અપહરણકારોએ હથિયાર બતાવીને શ્રી રિઝવાનનું અપહરણ કર્યું હતું.રિઝવાન આડતિયાનું અપહરણ થતાની સાથે તેમના મોબાઇલ ફોનના આધારે સ્થાનિક પોલીસે લોકેશન ટ્રેસ કરવાની કામગીરી શરૂ કરી હતી અને કલાકો સુધી અપહરણકારોએ સંપર્ક કર્યો નહોતો. તેથી તેના પરિવારમાં વધુ ચિંતા પ્રસરી હતી.
નાનીવયે રિઝવાન આડતિયા
આફ્રીકાના મોઝામ્બિકા,યુગાન્ડા સહિતના દેશોમાં આવેલા શહેરોમાં શોપીંગ મોલનો વ્યવસાય ધરાવે છે અને હાલ તેઓ મોટાભાગનો સમય સેવાકીય પ્રવૃત્તિઓ સાથે વિતાવે છે.રીઝવાન આડતીયાનું અપહરણ કોણે અને શા માટે કર્યુ તે તરફ તપાસ હાથ ધરવામાં આવી છે.જો કે ૩ અઠવાડીયા બાદ રીઝવાન આડતીયા હેમખેમ પરત આવી જતા પરીવારજનોમાં ખુશાલી છવાઇ ગઇ છે.
ગુજરાતના અનેક સીનિયર સિટિઝનોને વિનામુલ્યે સિંગાપોર અને મલેશિયાની ટૂર કરાવી
રિઝવાન આડતિયા ફાઉન્ડેશન સંસ્થા હેઠળ સેવાકીય કાર્યો સાથે જોડાયેલા રિઝવાન આડતિયા ગુજરાતના અનેક સીનિયર સિટિઝનને ફ્રીમાં વિદેશની ટૂર કરાવે છે.વર્ષ ૨૦૧૭ થી જુદા જુદા વિસ્તારમાંથી વૃદ્ઘાશ્રમ સહિત ૫૦ જેટલા સીનિયર સિટિઝનને સિંગાપોર અને મલેશિયાની ટૂર કરાવી હતી.આડતિયા દ્વારા વિનામૂલ્યે વિદેશયાત્રા જ નહીં પાસપોર્ટ,બેગ,કપડાં,મેડિકલ, વયોવૃદ્ઘ માટે વ્હીલચેર ઉપરાંત ખર્ચ કરવા માટે ૫૦ ડોલર જેવી રકમ પણ આપવામાં આવી હતી.રિઝવાન આડતિયા મોટિવેશનલ સ્પીકર પણ છે પોઝિટિવ લાઇફ કેવી રીતે જીવવી એ અંગે તેઓ મોઝામ્બિકમાં લેકચર આપે છે. ઇશ્વરે જે કંઇ આપ્યું છે તેનો થોડો ભાગ જરૂરિયાતમંદ માટે વાપરવો જોઇએ એ તેમનો જીવનમંત્ર છે.
રિઝવાન આડતિયાએ ૧૭પ રૂ.ના પગારે નોકરી કરી’તી
૫૨ વર્ષના રિઝવાન આડતિયાનો જન્મ ૧૯૬૭માં પોરબંદરના ઇસ્માયલી ખોજા પરિવારમાં થયો છે. બાળપણથી જ તેઓ સેવાભાવી રહ્યાં છે.માત્ર ૧૬ વર્ષની વયે તેમણે પોરબંદરની એક કંપનીમાં નોકરી કરવાની શરૂઆત કરી હતી.જે સમયે તેમને ૧૭૫ રૂપિયા માસિક પગાર આપવામાં આવતો હતો. એક મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે એ સમયનો એક કિસ્સો જણાવ્યો હતો,જેણે તેમનું જીવન બદલી નાંખ્યું. તેમની નોકરીમાં પહેલા પગાર પેટે ૧૭૫ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા.તેઓ પહેલા પગારની ખૂશી સાથે ઘરે જઇ રહ્યાં હતા, ત્યારે રસ્તામાં એક વૃદ્ઘે તેમની પાસે લિફટ માગી.
વૃદ્ઘને મેડિકલ સ્ટોરે લઇ ગયા.જયાં દવાનું બિલ ૧૧૦ રૂપિયા થયું હતું, પરંતુ એ વૃદ્ઘ પાસે માત્ર ૭૦ રૂપિયા જ હતા.એ સમયે અન્ય કોઇ વિચાર કર્યા વગર તેમણે તુરંત જ પોતાના પગારમાંથી ૧૧૦ રૂપિયા મેડિકલ સ્ટોરને ચૂકવી દીધા હતા.બાદમાં વૃદ્ઘને હોસ્પિટલે મૂકવા ગયા અને કોઇપણ મદદ હોય તો જણાવવા માટે કહ્યું હતું.એ વૃદ્ઘે આપેલા આશિર્વાદ અને આ ઘટના બાદ રિઝવાને કયારેય પાછા વળીને જોયું નથી.