– કારખાનેદારો અને વેપારીઓ પાસે પોલીશ્ડ હીરાનો સ્ટોક ખાલી થઈ ગયો છે,હવે મુંબઈથી માલ આવે છે સુરત
સુરત : હીરાબજારમાં આવેલી તેજીને કારણે,જૂનો સ્ટોકનો અત્યારે ફટાફટ વેચાઈ રહ્યો છે.અત્યારે સ્થિતિ એ છે કે માઇનસ-ટુને કોઈ પૂછતું નથી અને માત્રને માત્ર મેલે-સ્ટાર વેચાઇ રહ્યું છે.
હીરા બજારમાં આવેલી તેજી સમજમાં આવે એવી નથી.એકાએક પોલીશ્ડના ભાવ બમણાં થઈ ગયા છે,તો રફના ભાવ પણ 40થી 50 ટકા વધી ગયાં છે. દિવાળી પછી સતત ભાવો વધી રહ્યાં છે અને તેનો લાભ કારખાનેદારો,વેપારીઓ અને દલાલોને મળી રહ્યો છે.કોરોના સમયગાળા દરમિયાન પોલીશ્ડના ઉત્પાદનમાં આવેલા ઘટાડાની આ અસર આજે છે કેમ ? એવા પ્રશ્નનો પણ જવાબ નથી.જોકે,કારખાનેદારો અને વેપારીઓ પાસે પોલીશ્ડનો સ્ટોક ખાલી થઈ ગયો છે.આને કારણે એક સ્થિતિ છે કે હવે મુંબઈ જેવા સેન્ટરમાંથી પણ માલ વેચવા માટે સુરત આવી રહ્યો છે.
હીરા બજારમાં કેરેટના રુ.15 થી 20 હજારનો માલ વેચાતો બંધ થઈ ગયો છે.સ્ટાર અને મેલેના ભાવ બમણાં થઈ ગયા છે.પોલીશ્ડના ભાવ આડેધડ વધી રહ્યાં હોવાથી ઘણાં દલાલોએ કામકાજ બંધ કરી દીધું છે.જૂનો સ્ટોક તો ખાલી થઈ ગયો છે પરંતુ નવો માલ ખરીદવામાં ભેરવાઈ પડવાની બીક પણ સતાવે છે.


