– આ મસ્જિદમાં માત્ર શુક્રવારના રોજ ત્યાંના સ્થાનિક રહેવાસીઓને જ આઈડી બતાવ્યા બાદ નમાજ માટે પ્રવેશ આપવામાં આવે છે
આગ્રા, તા. 26 મે 2022, ગુરૂવાર : પોલીસે આગ્રાના તાજમહેલના કમ્પાઉન્ડમાં આવેલી મસ્જિદમાં નમાજ પઢનારા 4 પર્યટકોની ધરપકડ કરી છે. તે યુવકો પૈકીના 3 યુવકો હૈદરાબાદના રહેવાસી છે અને 1 યુવક આજમગઢનો રહેવાસી છે.
બુધવારના રોજ હૈદરાબાદથી 4 યુવકો આગ્રા ખાતેનો તાજમહેલ જોવા આવ્યા હતા.તાજમહેલની મુલાકાત લીધા બાદ તેઓ કમ્પાઉન્ડમાં રહેલી મસ્જિદમાં પહોંચ્યા હતા જ્યાં જાણકરીના અભાવે નમાજ પઢવા લાગ્યા હતા.આ બાબતની જાણકારી મળતા તાજની સુરક્ષામાં રહેલા CISFના જવાનોએ તેમને પકડીને સ્થાનિક તાજગંજ પોલીસ સ્ટેશનના હવાલે કર્યાં હતાં.પોલીસે આરોપીઓની સામે કલમ 153 અંતર્ગત કેસ નોંધ્યો છે.
આ મસ્જિદમાં દર અઠવાડિયે, જુમ્મા એટલે કે માત્ર શુક્રવારના રોજ ત્યાંના સ્થાનિક રહેવાસીઓને જ આઈડી બતાવ્યા બાદ નમાજ માટે પ્રવેશ આપવામાં આવે છે.આ મસ્જિદમાં માત્ર શુક્રવારે જ નમાજ અદા કરવાની મંજૂરી છે.આ કારણોસર બહારથી આવેલા પર્યટકોએ બુધવારે નમાજ અદા કરી હોવાથી CISFના જવાનોએ તેમને પકડીને પોલીસને સોંપી દીધા હતા.
પોલીસના મતે મુસાફરોએ નિયમનો ભંગ કર્યો છે.જેના કારણે પરિસ્થિતિ બગડી શકે છે.આ કારણોથી મુસાફરોની વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.હાલ પોલીસ તેમના દસ્તાવેજોની ચકાસણી કરવામાં વ્યસ્ત છે.

