વલસાડ, 27 મે : સમગ્ર વિશ્વમાં છેલ્લા ત્રણેક મહિનાથી કોવિડ – 19 કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ ફેલાયો છે.વિશ્વની સાથે ભારતમાં અને ગુજરાતમાં પણ આ મહામારી વ્યાપક બની છે.ત્યારે ગુજરાતમાં લોકોને, ખેડૂતોને, વિધાર્થીઓને સહાય કરવામાં આવે તેવી માંગ સાથે ઉમરગામ તાલુકા કોંગ્રેસે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.લાંબા લોકડાઉનને પગલે સમગ્ર ધંધા ઉધોગો બંધ હોવાથી ગરીબ અને મધ્યમ વર્ગની આજીવિકા બંધ થઈ ગઇ છે.આજીવિકાથી વંચિત સામાન્ય પ્રજાજનોને સહાય કરવા ઉમરગામ તાલુકા કોંગ્રેસ દ્વારા મંગળવારે તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગજુભાઈ વારલી,મહામંત્રી રાકેશરાય,ઉમરગામ શહેર કોંગ્રેસ પ્રમુખ ભરત મોહિતે અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં તાલુકા મામલતદાર રમેશભાઈને એક આવેદનપત્ર આપીને ઘટતું કરવા જણાવાયું હતું.
ઉપરોક્ત બાબતે ઉમરગામ તાલુકા કોંગ્રેસ દ્વારા મામલતદારને આપવામાં આવેલા આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર કોરોના કોવિડ – 19 ની મહામારીને પગલે છેલ્લા 55 દિવસથી લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે.ગુજરાતમાં પણ આ મહામારી વ્યાપક બની છે.સમગ્ર ધંધા-ઉધોગો પણ બંધ છે.ગરીબ અને મધ્યમવર્ગ માટે આજીવિકા બંધ થઇ ગઇ હોવાને કારણે આટલો લાંબો સમય નિર્વાહ કરવાનું કપરું બન્યું છે.જેમાં આજીવિકાથી વંચિત સામાન્ય પ્રજાજનોને સહાય કરવા કોગ્રેસ પક્ષ દ્વારા માર્ચ 2020 થી જૂન 2020 સુધીના તમામ લોકોના વીજળી બિલ માફ કરવામાં આવે,રહેઠાણ,પાણીવેરો અને મિલકત વેરા માફ કરવામાં આવે,નાના વેપારીઓના ધંધાના સ્થળના વેરા માફ કરવામાં આવે,ખાનગી શાળાની આગામી શૈક્ષણિક વર્ષની પ્રથમ સત્રની ફી માફ કરવામાં આવે અથવા સરકાર આવી ફીની રકમની સહાય પુરી પાડે સાથે લોકડાઉનના આ વર્તમાન કપરા સમયમાં કૃષિ ધિરાણની મુદ્દલ અને વ્યાજ ભરવા માટે ખેડૂતો પાસે રોકડ રકમની સગવડ ન હોવાથી સરકાર ધિરાણ પરત કરવાની મુદતમાં વધારો કરવાની સાથે ઓટો રિન્યુઅલ અમલમાં મૂકે અને વ્યાજ માફ કરે જેવા વિવિધ મુદ્દાઓ સાથે કોંગ્રેસ કાર્યકરો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.


