અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનો તેમની પ્રાથમિક સુવિધાને લગતી ફરિયાદ ઓનલાઈન કરી શકે એ માટે વોટસઅપ સર્વિસ શરુ કરવામાં આવી છે.પરંતુ જયારે લોકો વોટસઅપથી ગુજરાતી ભાષામાં ફરિયાદ કરે છે એ ફરિયાદ સંબંધિત અધિકારીને પ્રશ્નાર્થના રુપમાં મળતી હોવાથી અધિકારીને કયાં શુ કરવુ તેની ખબર પડતી નથી.વિપક્ષ તરફથી જવાબદાર સામે કાર્યવાહી કરવા માંગણી કરાઈ છે.સ્ટેન્ડીંગ કમિટી ચેરમેનના દાવા મુજબ બધુ બરોબર જ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૨૬ જુનથી વોટસઅપ નંબર-૭૫૬૭૮૫૫૩૦૩ દ્વારા શહેરીજનો માટે વોટસઅપ થકી તેમની પ્રાથમિક સુવિધાની ફરિયાદ નોંધાવી શકે એ પ્રમાણેની સિસ્ટમ શરુ કરવામાં આવી છે.કોંગ્રેસના કોર્પોરેટર ઈકબાલ શેખે મ્યુનિ.કમિશનરને કરેલી લેખિત રજૂઆત મુજબ,વોટસઅપમાં ગુજરાતીમાં ફરિયાદ કરવાથી જયારે અધિકારીઓ સુધી લોકોની ફરિયાદ પહોંચે છે એ સમયે ફરિયાદ કવેશ્ચન માર્કમાં ફેરવાઈ જાય છે.આ પ્રકારની ફરિયાદોનું પ્રમાણ વધતુ જાય છે.અધિકારીઓને ફરિયાદ શુ છે એ સમજાતુ નથી અને ફરિયાદનો નિકાલ થતો ના હોવાથી ફરિયાદો વધતી જાય છે.લોકો અને અધિકારીઓ વચ્ચે ઘર્ષણ વધતુ જાય છે અને ફરિયાદોનો નિકાલ થતો નથી.
આદિત્ય માઈક્રો સિસ્ટમને વોટસઅપ ઓનલાઈન માટે વન ટાઈમ અલગથી ૩.૫૦ લાખ ચુકવવામાં આવ્યા છે.મ્યુનિ.ને કોમ્યુનિકેશન ચાર્જ પેટે દર મહિને ૨૫ થી ૩૦ હજારનો બોજો પડી રહ્યો છે.આજ એજન્સીને સી.સી.આર.એસ.સિસ્ટમ માટે ૧૧ કરોડનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે.ત્રણ વર્ષમાં આ એજન્સીને મ્યુનિ.તરફથી છ કરોડનું પેમેન્ટ કરવામાં આવ્યુ છે.આ અંગે વિજિલન્સ તપાસ કરીને પેમેન્ટ પરત લેવા માંગ કરવામાં આવી છે


