ગુજરાત ભાજપના પૂર્વ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા સામેના પત્રિકાકાંડમાં હવે ગુજરાત ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ હિમાંશુ પંડ્યાની સક્રિય સંડોવણી સામે આવી છે. SOGએ હિમાંશુ પંડ્યાની પૂછપરછ કરી હતી જેમાં ખુલાસો થયો છે કે હિમાંશુ પંડ્યાએ જીમિતની મદદ લીધી હતી તેમજ તેને માહિતીઓ પુરી પાડી હતી.
પ્રદીપસિંહની નજીકના વનરાજ ચાવડાનો કાંટો કાઢવા ખેલ રચાયો હતો.સૂત્રો અનુસાર જીમિતે વનરાજ સાથે જૂની દુશ્મની પુરી કરવા કારસો રચ્યો હતો.આ માટે જિમીતે અન્ય એક ભાજપ નેતાની પણ મદદ લીધી હતી.એટલે કે પત્રિકાકાંડમાં વધુ એક ભાજપ નેતાનું નામ સામે આવે તેવી પુરી શક્યતા છે.સૂત્રો જણાવી રહ્યા છે કે આ કેસમાં પ્રદીપસિંહ વાઘેલા વિરુદ્ધ અનેક લોકોએ દુશ્મનાવટ કાઢી છે,જેમાં એક રોલ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ વીસી હિમાંશુ પંડ્યાનો પણ છે.સવાલ એ ઉઠી રહ્યો છે કે આખરે હિમાંશુ પંડ્યાને એવી તો શું દુશ્મનાવટ હતી?
વનરાજસિંહ ચાવડા હાલ ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયન કલ્ચરમાં હેડ અને આસીટન્ટ પ્રોફેસર છે.પહેલા NSUI માં રહેલા અને પછી બીજેપીમાં જોડાયેલા વનરાજસિંહ ચાવડા પ્રદિપસિંહ વાઘેલાની ખૂબ નજીકના માનવામાં આવે છે જેનું રાજકારણ પણ યુનિવર્સિટીમાં ચાલે છે.જીમિત શાહ પણ સેનેટ સભ્ય હતો જેને લઈને યુનિવર્સિટીના રાજકારણમાં જીમિતને વનરાજસિંહ સાથે બદલો લેવો હતો.વનરાજસિંહ પણ પૂર્વ વીસી હિમાંશુ પંડ્યાને આંખમાં કણાની જેમ ખુચતા હતા,જેથી હિમાંશુ પંડ્યાએ જીમિત સાથે અનેક બાબતે ચર્ચા કરી હતી.મહત્વનું છે કે હિમાંશુ પંડ્યાએ માત્ર જીમિતને નહીં પરંતુ અન્ય કેટલાક ભાજપ સાથે જોડાયેલા લોકોને પણ માહિતી પૂરી પાડી હતી.તેમાંથી જીમિતે આ તમામ બાબતો એકત્ર કરી અને માહિતીની ખરાઈ કર્યા વગર જ પત્રિકાઓ તૈયાર કરી પ્રદિપસિંહ વાઘેલા વિરુદ્ધ પત્રિકા બનાવી વાયરલ કરી હતી.
પોલીસ સૂત્રો એ પણ કહી રહ્યા છે કે જીમિતેને આ માહિતી મળતા જ જીમિત શહેર અને પ્રદેશ ભાજપ સાથે જોડાયેલા એક નેતા પાસે ગયો હતો,અને ત્યારબાદ આ પત્રિકાકાંડ સર્જાયો હતો. પોલીસે એ આધારે જ જીમિતના ઘરે સર્ચ ઓપરેશન પણ કર્યું હતું.
પ્રદીપસિંહ બાદ હવે કોનો વારો?
પત્રિકા- પેનડ્રાઈવ કાંડ બાદ ભાજપમાં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ છે,તેમાંય સંગઠન પર પક્કડ ધરાવતા યુવા નેતા પ્રદીપસિંહ વાઘેલાની વિદાય બાદ ભાજપમાં વિદ્રોહીઓએ હથિયાર હેઠા મૂકી દીધા છે.હવે કોની વિકેટ પડશે તેવા અનુમાન સાથે નેતાઓ ફફડી ઉઠ્યા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભ્રષ્ટાચાર સામેની ઝીરો ટોલરેન્સ નીતિને પગલે આગમી દિવસોમાં ભાજપમાં મોટો ઉલટફેર થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે,ત્યારે સૌની નજર દિલ્હી પર મંડાઈ છે.અત્યાર સુધી લોકસભાની ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત ભાજપ હાલ પત્રિકાકાંડને કારણે ડેમેજકંટ્રોલ કરવામાં વ્યસ્ત બન્યુ છે.સુરતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ સામે શરૂ થયેલી પત્રિકા વોરને લીધે ભાજપની પ્રતિષ્ઠા ઝંખવાઈ છે,પણ આ સમગ્ર પ્રકરણમાં પૂર્વ મંત્રી ગણપત વસાવાની મુખ્ય ભૂમિકા રહેલી છે,ત્યારે તેમના સમર્થકો સામે પોલીસ તપાસ ચાલી રહી છે.


