આઝાદીની ક્રાંતિકારી ચળવળ સમયે જનમાનસના ઘડતરમાં સમાચારપત્રોની ભૂમિકા મહત્ત્વની હતીઃ રાજ્યપાલ
ગાંધીનગર ખાતે ઈન્ડિયન જર્નાલિસ્ટ યુનિયનની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક યોજાઈ
ગાંધીનગર,તા.૨૦
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, ભારતની આઝાદીની ક્રાંતિકારી ચળવળ સમયે જનમાનસના ઘડતરમાં પત્રકારોની – સમાચારપત્રોની ભૂમિકા મહત્ત્વરૂપ હતી. જ્યારે સત્યનો અવાજ દબાઈ જાય છે ત્યારે કલમ બોલે છે. પત્રકારત્વ એ તપસ્વી વ્યક્તિનું કાર્ય છે તેમ જણાવી તેમણે ઉમેર્યું હતું કે, આત્માના અવાજથી સર્વોપરિતા સ્વીકારવી એ જ પત્રકારોનો ઉદ્દેશ હોવો જોઈએ. તેઓ ગાંધીનગર ખાતે ઈન્ડિયન જર્નાલિસ્ટ યુનિયન(આઇજેયુ)ની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકના ઉદ્ધાટન પ્રસંગે સંબોધન કરી રહ્યાં હતા.રાજ્યપાલે પત્રકારત્વને લોકશાહી શાસન પ્રણાલીનાં અભિન્ન અંગ સમાન પણ ગણાવ્યું હતું.
રાજ્યપાલે સ્વાતંત્ર સંગ્રામમાં પત્રકારોની ભૂમિકા સંદર્ભે વધુમાં જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજી, લોકમાન્ય બાલગંગાધર તિલક જેવા મહાપુરુષોએ સ્વતંત્રતા પ્રાપ્તિ માટે પત્રકારત્વના માધ્યમથી સમાજને માર્ગદર્શન આપ્યું હતું. એટલું જ નહીં ગણેશશંકર વિદ્યાર્થીના પ્રતાપ અખબાર સાથે જોડાઈને ક્રાંતિકારી શહીદ ભગતસિંહે શરૂઆતના દિવસોમાં અંગ્રેજ શાસન સામે જંગ છેડયો હતો.
પત્રકારત્વમાં વિશ્વસનીયતા અને પ્રમાણિકતાના ગુણો બહુ જ જરૂરી છે તેમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે, સત્તાના માર્ગ પર ચાલનારાને પત્રકારત્વ સત્યનું દિશાદર્શન કરાવે છે. જ્યારે સત્યનો અવાજ દબાઈ જાય છે ત્યારે કલમ બોલે છે. પત્રકારત્વ એ તપસ્વી વ્યક્તિનું કાર્ય છે તેમ જણાવી રાજ્યપાલે એમ પણ કહ્યું કે,આત્માના અવાજથી સર્વોપરિતા સ્વીકારવી એ જ પત્રકારોનો ઉદ્દેશ હોવો જોઈએ.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત ભારતના વરિષ્ઠ પત્રકાર વેદપ્રતાપ વૈદિકે પત્રકારોને લોકતંત્રનું હૃદય ગણાવી જણાવ્યું હતું કે, શરીરનો કોઈ ભાગ આરામ કરે તે ચાલશે પણ હૃદયને ચોલીસ કલાક કામ કરવું પડશે, તેમ લોકશાહીમાં પત્રકારો ચોવીસ કલાક સતર્ક રહીને કાર્ય કરે છે. તેમણે પત્રકારત્વનાં વ્યવસાયને ત્યાગ અને સમર્પણનો વ્યવસાય ગણાવ્યો હતો. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, મનથી સ્વતંત્ર રહેનારા પત્રકારને કોઈ અંતરાય નડતો નથી. પ્રમાણિકતાની સાથે સત્યનું શરણ અને અસત્યનો પરિત્યાગ પત્રકારનો ધર્મ છે. તેમણે શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રે સાનુકુળ પરિવર્તનની પણ હિમાયત કરી હતી.
આ પ્રસંગે રાજ્યપાલે પદ્મશ્રી પુરસ્કાર અલંકૃત સુભાષ પાલેકર પ્રેરિત પ્રાકૃતિક કૃષિ, ગૌવંશની નસલ સુધારણા, નશામુક્તિ જેવા અભિયાનોની સફળતામાં પત્રકારોના સહયોગની પણ નોંધ લીધી હતી.
આ કાર્યક્રમમાં ઈન્ડિયન જર્નાલિસ્ટ યુનિયનના અધ્યક્ષ કે. બી. પંડિતે યુનિયનની કાર્યપ્રણાલી અને પત્રકારોની સ્વતંત્રતા તેમજ સામાજિક સુરક્ષા સંદર્ભે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. જ્યારે યુનિયનના ગુજરાત રાજ્યના સંયોજક ભીખાભાઈ પ્રજાપતિ અને સ્વાગત સમિતિના અધ્યક્ષ લક્ષ્મણભાઈ પટેલે ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં બિહારના વરિષ્ઠ પત્રકાર આચાર્ય ગૌરીશંકર ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે વિવિધ રાજ્યોમાંથી ઉપસ્થિત રહેલા અગ્રણી પત્રકારોનું સ્મૃતિચિહ્ન અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને અંતે મૃગેશભાઈ શિવપુંજીએ આભારદર્શન કર્યું હતું.
પ્રમાણિકતા સાથે સત્યનું શરણ અને અસત્યનો પરિત્યાગ પત્રકારનો ધર્મ : વેદપ્રતાપ વૈદિક
Leave a Comment