નવી દિલ્હી, તા. 22 માર્ચ 2022, મંગળવાર : તેલંગાણાના સીએમ કે.ચંદ્રશેખર રાવે જણાવ્યું છે કે,તેઓ રાષ્ટ્રીય સ્તરે પરિવર્તન લાવવા માટે ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર સાથે ચર્ચા કરી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી કેસીઆર પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપ વિરુદ્ધ મોરચો બનાવવા માટે વિપક્ષોને એક કરવા માટે પ્રયત્નો કરી રહ્યા છે.કેસીઆરે સોમવારે જણાવ્યું હતું કે,રાષ્ટ્રીય સ્તર પર બદલાવ લાવવા માટે પ્રશાંત કિશોર સાથે મારી વાત ચાલી રહી છે.પ્રશાંત કિશોર આ મામલે મારી સાથે કામ કરી રહ્યા છે.
કેસીઆર થોડા દિવસો પહેલા જ્યારે વડાપ્રધાન તેલંગાણાની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેઓ સ્વાસ્થ્યના કારણો આપી ત્યાં નહોતા પહોંચ્યા.તેમણે જણાવ્યું કે,જો ચૂંટણી હોત તો તેઓ દાઢી વધારી દેત અને રવિન્દ્રનાથ ટાગોર જેવા દેખાત.જો તે તામિલનાડુમાં હોત તો તેઓ લૂંગી પહેરી લેત.શું આવી યુક્તિઓથી દેશ ચાલશે? પંજાબની ચૂંટણી થાય તો તેઓ પાઘડી પહેરે છે.મણિપુર અને ઉત્તરાખંડ જાય તો ત્યાંની પરંપરાગત ટોપી પહેરી લે છે.
પ્રશાંત કિશોર સાથે 300 કરોડના કોન્ટ્રાક્ટની વાતને નકારી કાઢતા કેસીઆરએ જણાવ્યું હતું કે,પ્રશાંત કિશોર છેલ્લા 7-8 વર્ષોથી મારા સારા મિત્ર છીએ.તેમણે ક્યારેય પૈસા માટે કામ નથી કર્યું.તેઓે પૈસા માટે કામ કરનાર કર્મચારી નથી.મને અફસોસ છે કે તમે તેમની દેશ પ્રત્યેની પ્રતિબદ્ધતાને સમજી નથી શક્યા.
પ્રશાંત કિશોરને તામિલનાડુમાં MK સ્ટાલિનની આગેવાની હેઠળની DMK, આંધ્ર પ્રદેશમાં જગન મોહન રેડ્ડીની આગેવાની હેઠળની YSR કોંગ્રેસ અને પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની આગેવાની હેઠળની TMCની ઝુંબેશને સફળતાપૂર્વક સંભાળવાનો શ્રેય આપવામાં આવે છે.મમતા બેનર્જીનો ઉદ્ધવ ઠાકરે,એનસીપી વડા શરદ પવાર અને જનતા દળ એસકે એચડી દેવગૌડા સાથે ભાજપ વિરોધી મોરચો બનાવવાનો પ્રયત્ન કરી રહેલા પ્રાદેશિક નેતાઓમાં સમાવેશ થાય છે.પોતાના બીજેપી વિરોધના વિચારો માટે જાણીતા એક્ટર પ્રકાશ રાજ પણ પ્રશાંત કિશોરના આ તેલંગાણા પ્રવાસ દરમિયાન તેમની સાથે હતા.આનાથી એવી અટકળોને વેગ મળ્યો છે કે,ટીઆરએસ રાષ્ટ્રીય સ્તરના મંતવ્યો માટે પ્રકાશ રાજને રાજ્યસભા માટે નામાંકિત કરશે.