। નવી દિલ્હી ।
પ્રાઈવેટ સેક્ટરની એક્સિસ બેન્કના ખાતાઓની વિગતો પર ખતરો સર્જાયો છે. આઈટી એક્ટ અને છેતરપિંડીના આરોપમાં ગુરુગ્રામમાં ધરપકડ કરાયેલ નોઈડાની એસીએલ કંપનીના કર્મચારી જોગિંદરની પૂછપરછમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે. એસીએલ કંપની અને એક્સિસ વચ્ચે કરાર થયેલ છે.
એસીએલ એક્સિસ બેન્કના ગ્રાહકોને ટ્રાન્ઝેક્શન માટે જરૂરી ઓટીપી (વન ટાઈમ પાસવર્ડ) મોકલે છે. પોલીસ પૂછપરછમાં એવું પણ બહાર આવ્યું કે આરોપી જોગિંદર ૨ લાખ લઈને ડેટા વેચતો હતો. જોગિંદર મંગળવારે ઠગો પાસેથી રૂપિયાના બદલામાં ડેટા આપવા આવ્યો હતો.
મુખ્ય આરોપી અંકુરને જ્યારે ખબર પડી કે જોગિંદર નોઈડામાં રહે છે અને એસીએલ કંપનીમાં નોકરી કરે છે, જે ગ્રાહકોને ઓટીપી મોકલે છે. ત્યાર બાદ અંકુરે જોગિંદરનો સંપર્ક સાધ્યો હતો અને રૂપિયાની લાલચ આપીને પોતાનો સાથે આપવાનું જણાવ્યું હતું. લગભગ દોઢ મહિના પહેલા દિલ્હીથી ભાગીને ગુરૂગ્રામ આવીને અંકુરે જોગિંદરનો સંપર્ક સાધ્યો હતો. તે બે લાખ રૂપિયા આપીને ઘણા ડેટા લઈ ચૂક્યો હતો.
હવે ફરી વાર રૂપિયા આપીને બીજા ગ્રાહકોના ડેટા લેવા માગતો હતો પરંતુ તે પહેલા પોલીસે તેમને ઝડપી પાડયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર આરોપી અંકુર એક્સિસના ગ્રાહકોને કોલ કરીને પોતાની જાતને બેન્કનો કર્મચારી હોવાનું જણાવીને વિગતો કઢાવી લેતો હતો.
ઓટીપી અને બીજા માહિતી લઈને તે ખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર કરતો હતો. પરંતુ જોગિંદર સાથે ઓળખાણ થયા બાદ તેને લોકોના બેન્ક ખાતા તથા ઓટીપી પૂછવાની પણ જરૂર રહી હતી. જોગિંદર તેને બધી વિગતો પૂરી પાડી દેતો હતો.