અમદાવાદ : સાઉથ આફ્રિકન ક્રિકેટ ટીમ ભારતના પ્રવાસે આવી ત્યારથી તેને હળવાશથી લેવામાં આવતી હતી.સમગ્ર સિરીઝની ચર્ચામાં ક્યાંય પ્રવાસી ખેલાડીઓની તાકાત કે નબળાઈની ચર્ચા ન હતી પરંતુ માત્ર ભારતની જ રણનીતિની વાતો થતી રહેતી હતી.ભારત આગામી ટી20 વર્લ્ડ કપમાં કેવી યોજના સાથે ઉતરશે અને તેની રણનીતિમાં કેપ્ટન કોણ રહેશે,કોહલીને તક મળશે કે નહીં,આઇપીએલના સ્ટાર ખેલાડીઓને ટીમમાં કેવી રીતે સામેલ કરાશે વગેરે વાતો હતી પરંતુ સાઉથ આફ્રિકન ટીમને નજરઅંદાજ કરવામાં આવી અને તેનું પરિણામ ગુરુવારે અરૂણ જેટલી સ્ટેડિયમ ખાતે મળી ગયું.
રિશભ પંતની આગેવાની હેઠળની ભારતીય ટીમે બેટિંગમાં તો કમાલ કરી હતી અને 211 રનનો ટી20માં માતબર કહી શકાય તેવો સ્કોર પણ ખડકી દીધો હતો પરંતુ સાઉથ આફ્રિકાએ આ સ્કોર આસાનીથી વટાવી દીધો.ભલે તેમણે અહીં સુધી પહોંચવા માટે 20મી ઓવર સુધી રમવું પડ્યું હોય પરંતુ ટેમ્બા બાવુમાની ટીમને 212 રન કરવામાં કોઈ તકલીફ પડી ન હતી.
ભારત પાસે શ્રેષ્ઠ બેટિંગ હરોળ છે તો બોલિંગમાં અત્યંત મજબૂત આક્રમણ છે તેમ કહેવામાં અતિશયોક્તિ નથી.તાજેતરમાં આ જ બોલર્સે આઇપીએલમાં ધૂમ મચાવી હતી.ભુવનેશ્વર કુમાર,ચહલ,હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ કે હર્ષલ પટેલ અને આવેશ ખાન આમાંથી એકેય બોલર એવો ન હતો જેણે આઇપીએલમાં કમાલ કરી ન હોય.આ તમામ બોલર પોતાની ફ્રેન્ચાઇઝીને એકલા હાથે મેચ જિતાડી આપવા માટે જાણીતા હતા પણ ગુરુવારે ક્યાક કાચું કપાયું અને આ જ બોલરો હતાશ જોવા મળ્યા હતા.
કાં તો સાઉથ આફ્રિકન બેટિંગ વધારે મજબૂત હતી અથવા તો ભારતની યોજનામાં સમસ્યા હતી.મીડિયાએ ભલે ક્વિન્ટન ડી કોક કે ડુસેન કે ડેવિડ મિલરને અવગણ્યા હોય પણ ભારતીય ટીમ અને તેના મેનેજમેન્ટને તો આ ખેલાડીઓની ખૂબી અને ખામીઓની જાણ હતી તેમ છતાં તેઓ કાંઈ કરી શક્યા નહીં તેનો અર્થ એ થયો કે ટીમ મેનેજમેન્ટ(કોચ સહિત)એ પણ મીડિયાની માફક પ્રવાસી ટીમને હળવાશથી લઈને માત્ર પોતાની ટીમના ભવિષ્ય અંગે જ વિચાર કર્યો હતો.
ભારતને આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં ટી20 વર્લ્ડ કપમાં રમવાનું છે જે મહત્વની ટુર્નામેન્ટ છે પરંતુ આવી મેજર ટુર્નામેન્ટ અગાઉ દ્વિપક્ષીય સિરીઝ તૈયારી માટે જ હોય છે.અહીં અખતરા કરી શકાય છે પરંતુ ભારતે ગુરુવારે એવા કોઈ મોટા અખતરા પણ કર્યા ન હતા.તેણે એ જ બોલરોને તક આપી હતી જે અગાઉ રમી ચૂક્યા છે.કોઈ નવોદિત બોલર(ઉમરાન મલિક કે તેના જેવો)ને તક આપી હોત અને ટીમ નિષ્ફળ રહી હોત તો સમજી શકાય.રોહિત શર્માને આ સિરીઝમાંથી આરામ આપવામાં આવ્યો છે ત્યારે તેને બદલે લોકેશ રાહુલને ટીમની આગેવાની સોંપાઈ હતી પરંતુ મેચની પૂર્વસંધ્યાએ રાહુલ પણ ઘાયલ થતાં અંતે રિશભ પંતને આગેવાની સોંપવામાં આવી.
રિશભ પંતમાં પ્રતિભાની કોઈ કમી નથી પરંતુ તે ઘણી વાર તેની બેટિંગની માફક ઉતાવળીયા નિર્ણય લઈ લેતો હોય છે જે પ્રથમ ટી20માં ભારતને ભારે પડ્યા.આવી જ રીતે સિરીઝમાં હજી ચાર મેચ રમાનારી છે ત્યારે રિશભ પંતની આકરી કસોટી થશે કેમ કે તેણે હવે સાવચેતી દાખવવી પડશે.પ્રથમ મેચમાં તેના કેટલાક બોલિંગ પરિવર્તન આશ્ચર્યજનક હતા.આવી જ રીતે ભૂતકાળમાં અમ્પાયર ડિસિઝન રિવ્યૂ લેતી વખતે કેપ્ટને વિકેટકીપર તરીકે પંતની મદદ લીધેલી છે અને તેમાં ભારતને ઘણી વાર નુકસાન પણ થયું છે.


