અમદાવાદ : રાજ્યમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી સક્રિય બની છે અને ભેજના પ્રમાણમાં સતત વધારો થઇ રહ્યો છે.જેના કારણે લોકો પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે.પ્રિ મોન્સૂન એક્ટિવિટીના ભાગ રૂપે જ રવિવારે સવારે જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને આકાશમાં વાદળ ઘેરાઇ આવ્યા હતા અને ધૂળીયું વાતાવરણ સર્જાયું હતું.આ સ્થિતિ વચ્ચે રાજ્યના મોટાભાગના શહેરના તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો.આમ છતા 41.9 ડિગ્રી સાથે અમદાવાદ રાજ્યનું સૌથી હોટ શહેર બન્યું હતું.નૈઋત્ય ચોમાસુ આગામી દિવસોમાં ધીરે ધીરે ગતિ કરી રહ્યું છે.અરબી સમુદ્ર પર પ્રિ મોન્સૂન એક્ટિવિટી સક્રિય થઇ ગઇ છે. જેના કારણે રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં હવામાં ભેજનું પ્રમાણ વધી રહ્યું છે.અમદાવાદમાં રવિવારે સવારે હવામાં ભેજનું પ્રમાણ 65 ટકાની આસપાસ રહ્યું હતું.બીજી તરફ પારો સતત ત્રીજા દિવસે ઘટી 41.9 ડિગ્રી પર પહોંચી ગયો હતો.લોકોએ કાળઝાળ ગરમી સાથે અસહ્ય બફારો સહન કરવો પડ્યો હતો.
ભેજનું પ્રમાણ વધવાને કારણે લોકો પરસેવે રેબઝેબ થઇ ગયા હતા.ત્યારે હજુ બે દિવસ દરમિયાન વાદળછાંયુ વાતાવરણ રહેવાની તથા તાપમાન ઘટવાની આગાહી હવામાન વિભાગે કરી છે.જો કે,હજુ થોડા દિવસ સુધી વરસાદ લાવે તેવી મજબૂત સિસ્ટમ સક્રિય ન હોવાનું પણ હવામાન વિભાગે જણાવ્યું છે.હાલ દરિયા કિનારે પ્રિ મોન્સૂન એક્ટિવિટી સક્રિય થઇ ગઇ છે અને ભેજવાળા પવન ફૂંકાવાના શરૂ થઇ ગયા છે.રવિવારે રાજ્યના મોટા ભાગના શહેરના મહત્તમ તાપમાન 39 ડિગ્રીની આસપાસ રહ્યાં હતા.