અમદાવાદ : રાજ્યમાં ૨૭ અને અમદાવાદ શહેરમાં ૧૫ વર્ષના શાસનમાં નાગરિકોને નળ,ગટર,રસ્તા જેવી પ્રાથમિક સુવિધા આપવામાં ભાજપ સદંતર નિષ્ફળ નીવડ્યો હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. ચોમાસાના આગોતરાં આયોજનની પ્રિમોન્સૂન કામગીરીના નામે નાગરિકોના ટેક્સના નાણાં પાણીમાં વહી ગયા છે.લોકોને સુવિધા આપવામાં ભાજપ સદંતર નિષ્ફળ નીવડ્યો છે.પ્રિમોન્સૂન પ્લાનીંગ માત્ર કાગળ પર રહ્યું છે.અમદાવાદ સહિત રાજ્યની આઠ મહાનગરપાલિકામાં વિકાસના નામે માત્ર વાતો,ભ્રામક પ્રચાર,વાયદા અને કૌભાંડ સિવાય ભાજપના સત્તાધીશોએ કોઈ કામગીરી કરી ન હોવાના આક્ષેપો કોંગ્રેસે કર્યા છે.
ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને બાપુનગરના ધારાસભ્ય હિંમતસિંહ પટેલે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે,ચોમાસાં પહેલા સ્ટ્રોમ વોટર ડ્રેનેજ વરસાદી પાણીના નિકાલ માટેની કામગીરી માત્ર કાગળ પર કરવામાં આવી હોવાનું શહેરમાં ભરાયેલા પાણી પરથી સાબિત થાય છે.નાળામાંથી કચરો અને માટીને સમયસર નિકાલ કરવામાં આવતો નથી.વોટર ડ્રેનેજ લાઈનો બંધ હાલતમાં છે.ભાજપના અણઘડ વહીવટનો ભોગ ગુજરાતના સામાન્ય નાગરીકો બની રહ્યા છે.એક જ વરસાદમાં ભાજપના કહેવાતા વિકાસની પોલ ખુલી ગઈ છે.અમદાવાદ શહેરમાં ૨૦૦૭-૧૪ સુધીમાં JNURMની સહાયમાંથી મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ચાર ઝોનમાં ફાળવાયેલી રૂ.૬૫૦ કરોડથી વધુ રકમ ખર્ચ કરવા છતાં સામાન્ય વરસાદમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા.


