કોઈપણ વ્યક્તિ પોતાની પ્રિય વ્યક્તિની કાયમી વિદાય પછી તેની યાદ હંમેશાં તાજી રાખવા માટે કંઈ ને કંઈ કરતી હોય છે.કેટલાક આ સ્વજનની યાદમાં સ્ટેચ્યૂ બનાવતા હોય છે અથવા તેના નામથી દાન ધર્મની સેવા કરતા હોય છે,પણ સુરતમાં એક તબીબ પરિવારે પોતાના પાલતું શ્વાનના નિધન બાદ એની યાદગીરી તાજી રાખવા શ્વાનો માટે 10 લાખના ખર્ચે ડાયાલિસિસ સેન્ટર જ ઊભું કરી દીધું છે.
ગુજરાતનું પહેલું પ્રાણીઓનું ડાયાલિસિસ સેન્ટર
સુરતમાં રહેતા તબીબ મહેન્દ્ર ચૌહાણના પરિવારે પાંચ વર્ષ પહેલાં તેમના પાલતું શ્વાનને કિડની ફેલ થવાને કારણે ગુમાવી દીધો હતો.તેમનો શ્વાન લીઓ તેમના માટે પરિવારના એક સભ્ય જેવો જ હતો,જેમની સાથે તેમની લાગણી જોડાયેલી હતી.કિડની ફેલ થવાથી તેઓ એની સારવાર માટે રાજ્યમાં ઘણી જગ્યાએ તપાસ કરી,પણ આ સારવાર મુંબઇ અને દિલ્હી સિવાય ગુજરાતમાં એકપણ શહેરમાં ઉપલબ્ધ ન હતી.જોકે સમયસર સારવાર મળે એ પહેલાં જ તેમના શ્વાનનું મોત થયું હતું.આ બનાવે તેમને અન્ય પાલતું શ્વાન અને બિલાડીને કિડનીની સારવાર માટે ડાયાલિસિસ સેન્ટર ઊભું કરવા પ્રેરણા આપી અને તેમણે 10 લાખના ખર્ચે પશુઓ માટે ડાયાલિસિસ સેન્ટર ઊભું કર્યું છે અને ત્યાં પશુઓના સ્પેશિયાલિસ્ટને પણ રાખ્યા છે, જે તેમને સારવાર આપી શકશે.
સારવાર માટે મુંબઈ,દિલ્હી સુધી જઈને 20 હજાર સુધીનો ખર્ચો પણ કરવો પડતો હતો
મહેન્દ્રભાઈ ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે અત્યારસુધી આવાં અસંખ્ય પશુઓને સારવાર નહિ મળવાને કારણે મોતને ભેટવું પડતું હતું.એટલું જ નહીં,ગુજરાતમાં એકપણ સ્થળે સારવાર ઉપલબ્ધ નહિ હોવાથી મુંબઈ,દિલ્હી સુધી જઈને 20 હજાર સુધીનો ખર્ચો પણ કરવો પડતો હતો,પણ આ સુવિધા હવે ગુજરાતમાં સુરતમાં પહેલીવાર ઉપલબ્ધ થતાં શ્વાન અને બિલાડીઓને ડાયાલિસિસની સારવાર માટે આશીર્વાદરૂપ બની રહેશે.
રખડતાં શ્વાન અને બિલાડીઓ માટે આ સેવા મફત
ચૌહાણ પરિવારે કહ્યું હતું કે રખડતા શ્વાન અને બિલાડીઓ માટે આ સેવા મફતમાં રાખી છે. પશુઓ માટેનું ડાયાલિસિસ મશીન પણ સામાન્ય દર્દીના સારવાર માટે વપરાતા મશીન જેવું જ હોય છે. આ સેવા હવે સુરતમાં શરૂ થવાથી સુરતના અનેક પશુપ્રેમીઓને પણ રાહત મળી છે.


