મુંબઈ : બોલિવુડના એક સમયના ટોચના ગણાતાં બેનર નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેનમેન્ટની સળંગ ચાર ફિલ્મો ફ્લોપ થઇ ગઇ છે. તેમની તાજેતરની ફિલ્મ હીરોપંતી ટૂનો બોક્સ ઓફિસ પર કરુણ રકાસ થયો છે એટલું જ નહીં પરંતુ તદ્દન ઢંગધડા વગરની આ ફિલ્મની બેહદ ટીકાઓ પણ થઈ રહી છે.આ ફિલ્મ ફિલ્મ કેવી ના બનાવવી જોઇએ તેનું ઉદાહરણ છે એમ કહેવાવા માંડયું છે.તેને પગલે હવે દિગ્ગજ પ્રોડયૂસર સાજીદ નડિયાદવાળાએ છાશ પણ ફૂંકી ફૂંકીને પીવી પડે તેવી હાલત સર્જાઈ છે.મૂળ ગુજરાતનો નડિયાદવાળા પરિવાર સાત દાયકાથી બોલિવુડમાં સક્રિય છે.સાજીદ નડિયાવાળાએ નડિયાદવાળા ગ્રાન્ડસનનાં બેનર હેઠળ હાઉસફૂલ , બાગી ટૂ, ટૂ સ્ટેટસ, છીછોરે, મુજસે શાદી કરોગી, હૈય બેબી સહિતની અનેક હિટ ફિલ્મો બનાવી છે.
જોકે, છેલ્લા કેટલાક સમયતી આ બેનરની માઠી દશા ચાલી રહી હોય તેમ ઉપરાછાપરી ચાર ફિલ્મો ફ્લોપ થઇ ગઈ છે.ગત શુક્રવારે રિલીઝ થયેલી ટાઇગર શ્રોફની હીરોપંતી ટૂ પહેલા જ દિવસથી બોક્સ ઓફિસ પર ફસડાઈ પડી છે.આ અગાઉ અક્ષય કુમાર જેવા સેલેબલ સ્ટાર સાથેની બચ્ચન પાંડે પણ બૂરી રીતે પિટાઈ ગઈ હતી.તે પહેલાં સુનિલ શેટ્ટીના પુત્ર અહાન શેટ્ટીની ડેબ્યૂ ફિલ્મ તડપ ક્યાં આવીને ખોવાઈ ગઇ તેની પણ કોઇને ખબર રહી નથી.એ અગાઉ ૮૩ પણ બોક્સ ઓફિસ પર નબળી સાબિત થઇ હતી જોકે, સાજીદ નડિયાદવાળા એટલું આશ્વાસન લઇ શકે કે એ તેમનાં એકલાંના બેનરની જ ફિલમ ન હતી પરંતુ એક આખી ઇલેવન બની જાય તેટલા પ્રોડયુસર તેમાં સામેલ હતા.
૮૩ ફિલમ ૨૬૦ કરોડનાં બજેટ સામે ૨૦૦ કરોડ માંડ કમાઈ હતી.તડપ માં ૨૭ કરોડનાં બજેટ સામે ૩૪ કરોડ મળ્યા હતા. બચ્ચને પાંડેના ૧૮૫ કરોડના બજેટ સામે ૭૦ કરોડ સુધી પહોંચતાં પણ ફણ આવી ગયાં હતાં.હીરોપંતીનું બજેટ ૮૫ કરોડનું છે અને તે બે દિવસમાં માંડ ૧૧ કરોડ કમાઈ છે.સાજીદની નજીકનાં સૂત્રોનું કહેવું છે કે મિત્ર હીરોને કોઈ સબ્જેક્ટ ગમે એટલે તેની ફિલ્મ પ્રોડયૂસ કરી દેવી કે મિત્ર હિરોના સંતાનોને લોન્ચ કરવા કોઈ ફિલ્મ બનાવી દેવા જેવા અનપ્રોફેશનલ નિર્ણયો તેમને ભારે પડયા છે.બોલિવુડમાં કોઈ પ્રોડયૂસરની ઉપરાછાપરી ફિલ્મો ફ્લોપ જાય તો તેમન ી નવી ફિલ્મો પર ભરોસો મૂકતાં પહેલાં ફાઇનાન્સિઅર અને ડિસ્ટ્રિબ્યૂર સો વાર વિચાર કરે છે.સાજીદ નડિયાદવાળાની આગામી ફિલ્મ બવાલના ડાયરેક્ટર તરીકે દંગલ જેવીઓલ ટાઇમ સુપરહિટ ફિલ્મના ડાયરેક્ટર નિતેશ તિવારી છે અને કભી ઈદ કભી દિવાલી સલમાન ખાનના પોતાના પ્રોજેક્ટ તરીકે રજૂ થઇ રહી છે. આ બે ફિલ્મો પર હવે આ બેનરનો મદાર રહેશે.


