સુરત શહેરના પાલનપુર જકાતનાકા ચાર રસ્તા પાસે વાહન ચેકિંગ દરમિયાન માસ્ક અને નંબર પ્લેટ વગરની બાઈકના ચાલકે મહિલા પોલીસકર્મીની છેડતી અને તમાચો મારી દીધો હતો.આ ઉપરાંત અન્ય એક પોલીસકર્મી સાથે પણ મારા મારી કરતા રાંદેર પોલીસે જાહેરમાં અશ્લીલ હરકત કરવા અને ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બાઈક ચાલકે પોલીસ લોકોને લૂંટે છો એમ કહી ટોળું ભેગું કરવાનો પ્રયાસ કર્યો
રાંદેર પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ લોકરક્ષક અને મહિલા હેડ કોન્સ્ટેબલ સહિતનો સ્ટાફ પાલનપુર જકાતનાકા ચાર રસ્તા પાસે વાહન ચેકિંગ કરી રહ્યા હતા.દરમિયાન મહિલા હેડ કોન્સ્ટેબલે માસ્ક પહેર્યા વિના અને આગળની નંબર પ્લેટ વિનાની બાઈકના ચાલકને અટકાવ્યો હતો.પોલીસ કોન્સ્ટેબલ ઇશ્વર મોતીભાઇએ માસ્ક કેમ પહેર્યુ નથી અને નંબર પ્લેટ કેમ લગાવી નથી એમ કહેતા જ ચાલકે બાઈક રોડ પર આડી ઉભી કરી દીધી હતી અને જોર જોરથી બૂમાબૂમ કરી તમે પોલીસ લોકોને લૂંટે છે એમ કહી ટોળું ભેગું કરવાનો પ્રયાસ કર્યો હતો.
અશ્લીલ હરકત કરવા અને સરકારી ફરજમાં રૂકાવટ કરવા બદલ ગુનો નોંધાયો
મહિલા હેડ કોન્સ્ટેબલે ચાલકને સમજાવવાનો પ્રયાસ કરતા બાઈક ચાલક જયેશ ગણેશ ચૌધરી (ઉ.વ.40 રહે.સી 8, 302, સ્તુતિ રેસીડન્સી,પાલ) એ તેમનો હાથ પકડી છેડતી કરી હતી.જેથી પોલીસ કોન્સ્ટેબલે હાથ છોડાવવાનો પ્રયાસ કરતા જયેશે તેમની સાથે ઝપાઝપી કરી હતી. માર મારવાની સાથે મહિલા હેડ કોન્સ્ટેબલને એક તમાચો મારી દીધો હતો. જેને પગલે અન્ય પોલીસકર્મીઓ પણ દોડી આવ્યા હતા અને બાઈક (GJ-05-LA-5035)ના ચાલક જયેશ ચૌધરી વિરૂધ્ધ મહિલા હેડ કોન્સ્ટેબલ સાથે અશ્લીલ હરકત કરવા અને સરકારી ફરજમાં રૂકાવટ કરવા બદલ ગુનો નોંધી તેની અટકાયત કરી હતી.