– મણિપુરના નોની જિલ્લામાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ
નવી દિલ્હી, તા. 28 ફેબ્રુઆરી 2023, મંગળવાર : હાલમાં વિશ્વના ઘણા દેશોમાં સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે.ત્યારે આજે સવારે મણિપુરની સાથે અફઘાનિસ્તાન અને તાજિકિસ્તાનમાં ભૂકંપ આવ્યો હતો.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS)ના જણાવ્યા પ્રમાણે મંગળવારની વહેલી સવારે મણિપુરના નોની જિલ્લામાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ મધરાતે લગભગ 2:46 વાગ્યે આવ્યો હતો અને તેની ઊંડાઈ 25 કિલોમીટર હતી.બીજી તરફ અફઘાનિસ્તાન અને તાજિકિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.અફઘાનિસ્તાનમાં ભૂકંપનીતીવ્રતા 4.1 આંકવામાં આવી હતી જ્યારે તાજિકિસ્તાનમાં 4.3ની તીવ્રતા આંકવામાં આવી હતી.
અગાઉ આંધ્રપ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા
આ માહિતી નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આપી હતી.જોકે, હજુ સુધી કોઇપણ પ્રકારના નુકસાનના સમાચાર નથી મળ્યા.આ અગાઉ 19 ફેબ્રુઆરીએ આંધ્ર પ્રદેશના એનટીઆર જિલ્લાના નંદીગામા શહેરમાં ભૂકંપ આવ્યો હતો.જો કે રાહતની વાત એ હતી કે જાનમાલના નુકસાનની કોઈ માહિતી નથી.રવિવારે સવારે લગભગ 7.13 વાગ્યે આંચકા આવ્યા અને 3.4 સેકન્ડ સુધી રહ્યા હતા.સ્થાનિક લોકો ગભરાઈને ઘરની બહાર નીકળીને રસ્તા પર આવી ગયા હતા.
તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપથી લોકોમાં ડર
આ જ દિવસે મધ્યપ્રદેશમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.0 આંકવામાં આવી હતી.તમને જણાવી દઈએ કે ગત રવિવારે અફઘાનિસ્તાનમાં મધરાતે 2.14 વાગ્યે 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.ફૈઝાબાદમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપના કારણે લોકોના મનમાં ભયનો માહોલ ઉભો થયો છે.
તુર્કી અને સીરિયામાં અત્યાર સુધીમાં 50 હજારથી વધુના મોત
તુર્કી અને સીરિયામાં અત્યાર સુધીમાં 50 હજારથી વધુ લોકોના મોત થયા છે અને લાખો લોકો ઘાયલ થયા અને બેઘર બન્યા છે.લોકો ટેન્ટમાં રહેવા મજબૂર બન્યા છે.જો કે તુર્કી અને સીરિયામાં હજુ પણ ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે.