અમદાવાદ : તા.1 જુલાઈ 2022,શુક્રવાર : ગુજરાત હાઇકોર્ટે આજે એક મહત્વના આદેશ મારફતે રાજયમાં ફાયર એકટની અમલવારી વિનાની,બીયુપી વિનાની અને મંજૂર પ્લાનનો ભંગ કરી ઉભી કરી દેવાયેલી તમામ બિલ્ડીંગો વિરુધ્ધ તાત્કાલિક પગલાં લેવા રાજય સરકાર અને તેના સત્તાવાળાઓને બહુ મહત્વનો હુકમ કર્યો હતો.ફાયરસેફ્ટી અંગેની જાહેરહિતની રિટની સુનાવણી દરમ્યાન આજે ગુજરાત હાઇકોર્ટે હોસ્પિટલો અને કોમર્શીયલ કોમ્પલેક્ષમાં આગ લાગવાના સતત જારી રહેલા બનાવોને લઇ ભારે ચિંતા વ્યકત કરી હતી.
ચીફ જસ્ટિસ અરવિંદકુમારના વડપણ હેઠળની બેંચે આજે રાજયની હોસ્પિટલોમાં કાચથી કવર કરાયેલી હોસ્પિટલો સામે જરુરી પગલાં લેવા,હોસ્પિટલોમાં આઇસીયુ ગ્રાઉન્ડ ફલોર પર રાખવા અને સીડીમાં ફરજિયાતપણે વેન્ટીલેશનની વ્યવસ્થા રાખવા સહિતના હાઇકોર્ટના આદેશનું કેમ ચુસ્તપણે પાલન નથી કરાયું તે મુદ્દે રાજય સરકાર,અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિતના તમામ કોર્પોરેશન અને તમામ નગરપાલિકાઓનો ખુલાસો માંગ્યો છે.હાઇકોર્ટે આ આ અંગેનો વિગતવાર રિપોર્ટ ત્રણ સપ્તાહમાં રજૂ કરવા સરકાર,અમ્યુકો અને આ તમામ સત્તાવાળાઓને હુકમ કર્યો છે.
હાઇકોર્ટે દેવ કોમ્પલેક્ષમાં તાજેતરમાં લાગેલી આગની દુર્ઘટનામાં પણ કસૂરવારો સામે શું પગલાં લેવાયા તે અંગે રિપોર્ટમાં ખુલાસો કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને હુકમ કર્યો હતો.રાજયમાં ફાયરસેફ્ટીની અમલવારી મુદ્દે ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ અમિત પંચાલે જાતે જ જાહેરહિતની રિટ અરજી દાખલ કરી હતી.જેમાં આજે તેમણે તાજેતરમાં શહેરના પરિમલ ગાર્ડન પાસે દેવ કોમ્પલેક્ષમાં હોસ્પિટલમાં લાગેલી આગ સહિતની બાબતોને લઇ કરેલી નવી અરજીનો આધાર રજૂ કરી જણાવ્યું કે,ફાયરસેફ્ટીની અમલવારીના અભાવે અને છાશવારે હોસ્પિટલમાં લાગતા આવા બનાવોને કારણે નિર્દોષ નાગરિકોના થતાં મોત અને તેમના જીવ જોખમમાં મૂકાઇ રહ્યા છે.
હાઇકોર્ટ અને સુપ્રીમકોર્ટે આ અંગે મહત્વના નિર્દેશો જારી કરેલા છે પરંતુ સરકાર અને અમ્યુકો સત્તાવાળાઓ દ્વારા હજુ સુધી તેની કડકાઇથી અમલવારી થઇ શકી નથી,જેના કારણે આવા બનાવો ચાલુ રહે છે. રાજયમાં કાચથી કવર હોસ્પિટલોમાં આગ લાગે ત્યારે ધુમાડો જલ્દી બહાર નીકળતો નથી અને કાચના કારણે બહારની ગરમી અને અંદર આગની ગરમીને લઇ પરિસ્થિતિ વધુ ગંભીર બનતી હોય છે.અમ્યુકો ફાયરવિભાગ પાસે પૂરતા સાધનો હોવાછતાં તેઓ આવી પરિસ્થિતિમાં યોગ્ય કામગીરી કરી શકતા નથી અને તેઓને મુશ્કેલી પડે છે.રાજયમાં જે બિલ્ડીંગોમાં બીયુપી,ફાયરસેફ્ટી કે એનઓસી નથી તે હોસ્પિટલો આગની આવી દુર્ઘટનાઓ સામે કેવી રીતે લડી શકે અને દર્દીઓ કે નાગરિકોના જીવ કેવી રીતે બચાવી શકે તે મોટો ગંભીર સવાલ છે.