અમદાવાદ : શહેરનાં વિવિધ વિસ્તારોમાં આવેલી હાઇરાઇઝ ઇમારતોમાં ફાયર સેફ્ટીનાં મામલે હાઇકોર્ટમાં ચાલી રહેલી સુનાવણીને પગલે મ્યુનિ.ફાયર બ્રિગેડ વિભાગે ૨૪૭ હાઇરાઇઝ રેસિડેન્શિયલ ઇમારતોનાં વીજળી અને પાણીનાં જોડાણ કાપવા માટે નોટિસ ફટકારી છે.મ્યુનિ.હદમાં રહેણાંક-કોમર્શિયલ સહિત વિવિધ એકમોનાં માલિક અથવા કબજેદારોએ જાહેરહિતમાં સુરક્ષા માટે ફાયર સેફ્ટી સિસ્ટમની વ્યવસ્થા ઉભી કરવાની થાય છે અને ત્યારબાદ સમયાંતરે ફાયર એનઓસી મેળવવાની કાર્યવાહી કરવાની હોય છે.પરંતુ શહેરનાં જુદા જુદા વિસ્તારોમાં અનેક હાઇરાઇઝ રહેણાંક ઇમારતો,મિક્સ હાઇરાઇઝ ઇમારતો તથા કોમર્શિયલ ઇમારતો,હોસ્પિટલો-દવાખાના,કારખાનાઓ વગેરે જગ્યાએ ફાયર સેફ્ટીનાં નિયમોનુ પાલન કરવામાં આવતુ નથી.તેને લઇ હાઇકોર્ટમાં પીઆઇએલ દાખલ થઇ છે અને હાઇકોર્ટે પણ તેને ગંભીરતાથી લઇ સુનાવણી હાથ ધરી છે.
તાજેતરમાં સુનાવણી દરમિયાન મ્યુનિ.તંત્ર અને ફાયર બ્રિગેડ વિભાગે શું કામગીરી કરી તેનો હિસાબ માંગવામાં આવ્યો હતો અને જે કોઇ ના માને તો તેની સામે કાયદાકીય-ફોજદારી કાર્યવાહી કરવાની ટકોર પણ હાઇકોર્ટને કરવી પડી હતી.તે પછી મ્યુનિ.ફાયર બ્રિગેડ વિભાગે સત્તાવાર યાદી જારી કરી છે કે,૧૧૨૮ હાઇરાઇઝ રહેણાક ઇમારતો,૨૫૯ મિક્સ હાઇરાઇઝ ઇમારતો અને ૨૬ કોમર્શિયલ હાઇરાઇઝ ઇમારતો પાસે ફાયર એનઓસી ન હોવાથી તમામ સામે કાર્યવાહી હાથ ધરાઈ છે.ઉપરાંત આજે વધુ ૨૪૭ હાઇરાઇઝ રેસિડેન્શિયલ બિલ્ડીંગનાં વીજળી અને પાણીનાં જોડાણો કાપવા નોટિસો અપાઈ છે.


