દર ચાર વર્ષે યોજાતો ફુટબૉલ વર્લ્ડ કપ અને દર પાંચ વર્ષે યોજાતા ગુજરાત-ઇલેક્શનમાં રોમાંચ અને રસાકસી ઉપરાંત બીજાં ઘણાં સામ્ય છે.ગલ્ફ કન્ટ્રી કતારમાં રમાઈ રહેલો ફુટબૉલ વર્લ્ડ કપ બ્રાઝિલ જીતવાનું છે એ નક્કી જ છે,છતાં ફ્રાન્સ અને ઇંગ્લૅન્ડ એના વિજયપથ પર કેટલાં સ્પીડબ્રેકર ઊભાં કરી શકે છે એ જોવું રહ્યું.સેમ વે, ગુજરાત-ઇલેક્શન બીજેપી જ જીતી જવાની છે,પણ કૉન્ગ્રેસ અને ‘આપ’ બીજેપીને ત્રણ આંકડે પહોંચતી રોકી શકે છે કે કેમ એ જ જોવાનું છે.
…પણ બન્ને જંગમાં ઇટાલિયન હર્બલ લિકરના ટેસ્ટ જેવું કડવું સામ્ય એ છે કે ગુજરાત-ઇલેક્શનમાં અને કતારના ફુટબૉલ સ્ટેડિયમોમાં શરાબ પીવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે.કતારમાં તો કદાચ ફક્ત સ્ટેડિયમમાં કે જાહેર સ્થળો પર દારૂ પીવા પર બંધી હશે,પરંતુ ગુજરાતમાં તો આ પાબંદી બારમાસી હોય છે અને એથી કેટલાક લાચારો અને નિરાધારોએ પ્રોટીનની શોધમાં દીવ,દમણ,સેલવાસ કે રાજસ્થાનમાંથી જે નજીક પડતું હોય ત્યાં દોડવું પડે છે.વાસ્તવમાં આ લોકો ભરપૂર પ્રોટીન ધરાવતાં સિંગ અને ચણા ખાવા માટે જ ત્યાં જતા હોય છે,પણ સિંગને એકલું ને ચણાને અટૂલું ન લાગે એથી આ લોકો સાથે શરાબ પણ પીએ છે.
…પણ વહીવટી તંત્રએ જાણે ઑક્સિજન પર ટકી રહેલા દરદીની ઑક્સિજનની પાઇપ ખેંચી લેવા જેવો નિર્ણય કર્યો છે.આ નિર્ણય મુજબ હવે ચૂંટણીના બે દિવસ અગાઉથી ચૂંટણી પતે ત્યાં સુધી ગુજરાતને અડીને આવેલાં રાજ્યોમાં અને યુનિયન ટેરિટરીઝમાં પણ દારૂબંધીનો અમલ રહેશે.ગુજરાતના મુઠ્ઠીભર લિકર-લવર્સને કારણે બાકીનાં ત્રણ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં રહેનારા અને શરાબનું નિત્ય સેવન કરનારાઓ આ છ દિવસ દરમ્યાન કેવી યાતનામાંથી પસાર થશે એ વિશે વિચાર કરતાં જ કંપારી છૂટી જાય છે.આમ તો ગુજરાતમાં શરાબબંધી હોવાથી કોઈ શરાબનું સેવન કરતું જ નથી.છતાં શનિ-રવિ દીવ,દમણ કે રતનપુર બૉર્ડર જનારાઓએ વહીવટી તંત્રને એક જાહેર અપીલ કરવી જોઈએ ‘અમે મહુડાની સોગંધ ખાઈને કહીએ છીએ કે ત્યાં નહીં જઈએ.અમારા લીધે બિચારા તેમને તરસ્યા ન રાખશો.’