ચેન્નાઇ,તા.૨૦
પીઢ અભિનેતા કમલ હાસનની આગામી નવી ફિલ્મ ‘ઈન્ડિયન ૨’ના અહીં શૂટિંગ દરમિયાન ગઈ કાલે મોડી રાતે થયેલા અકસ્માતમાં એક વિશાળ ક્રેન તૂટી પડતાં ત્રણ સહાયક દિગ્દર્શકો માર્યા ગયા છે અને બીજાં ૯ જણ ઘાયલ થયા છે.
આ શૂટિંગ ચેન્નાઈ નજીક ખાનગી સિનેમા સ્ટુડિયો ઈવીપી ફિલ્મસિટી ખાતે કરવામાં આવી રહ્યું છે. કમલ હાસન તથા ફિલ્મના દિગ્દર્શક શંકરને કોઈ ઈજા થઈ નથી. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
હાસને આ ઘટના અંગે અને પોતાના ત્રણ સહાયકોનાં મરણ અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. આ ઘટનાને એમણે ‘નિષ્ઠુર’ તરીકે ઓળખાવી છે. એમણે મૃતક સહયોગીઓનાં પરિવારજનો પ્રતિ દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરી છે.
કમલ હાસને કહ્યું કે, ટ્વિટર પર તામિલ ભાષામાં જણાવ્યું છે કે મેં ઘણા અકસ્માતો સહન કર્યા છે, પણ આજનો અકસ્માત અત્યંત ગોઝારો હતો.
શૂટિંગ સ્થળે સેટ ઊભો કરવા માટે ક્રેનને ઉપયોગમાં લેવામાં આવી હતી ત્યારે એ આકસ્મિક રીતે પડી હતી, જેની નીચે દબાઈ જવાથી ત્રણ જણનાં મરણ નિપજ્યા અને બીજાં ૯ જણ ઘાયલ થયા. એ બધા બેઠા હતા અને એમની પર ક્રેન પડી હતી.
‘ઈન્ડિયન ૨’ ફિલ્મમાં કમલ હાસન મુખ્ય ભૂમિકામાં છે. જ્યારે કાજલ અગ્રવાલ, રકુલપ્રીત સિંહ, સિદ્ધાર્થ જેવા અન્ય કલાકારો પણ મહત્ત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મ ૨૦૨૧ના આરંભમાં રિલીઝ કરાય એવી ધારણા છે. આ ફિલ્મ ૧૯૯૬માં આવેલી કમલ હાસનની એક્શન થ્રિલર ‘ઈન્ડિયન’ ફિલ્મની સીક્વલ છે.
ફિલ્મના સેટ પર ઉભી કરાયેલી ક્રેન તૂટી પડતાં ત્રણ લોકોના મોત
Leave a Comment