– શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ ‘પઠાણ’ મુદ્દે વિવાદ વધ્યો
– હવે MP ઉલેમા બોર્ડે ફિલ્મ ‘પઠાણ’ને બૉયકોટ કહી રિલિઝ ન કરવા માંગ કરી
ભોપાલ, તા.17 ડિસેમ્બર-2022, શનિવાર : શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ ‘પઠાણ’ મુદ્દે સતત વિવાદ વધતો જઈ રહ્યો છે.ફિલ્મમાં દર્શાવાયેલ બેશર્મ રંગ સોંગ પર એક તરફ હિન્દુ સંગઠન ગુસ્સે થયા છે,તો બીજી તરફ મધ્યપ્રદેશમાં હવે ઉલેમા બોર્ડે પણ ફિલ્મ મુદ્દે નારાજગી વ્યક્ત કરી છે. મધ્યપ્રદેશ ઉલેમા બોર્ડે પઠાણ ફિલ્મને બૉયકોટ કરી છે અને આ ફિલ્મને રિલિઝ ન કરવા માંગ કરી છે.
‘પઠાણ’થી મુસ્લિમ સમુદાય પણ નારાજ
મધ્યપ્રદેશ ઉલેમા બોર્ડના અધ્યક્ષ સૈયદ અનસ અલીએ કહ્યું કે, પઠાણ નામથી એક ફિલ્મ બની છે,જેમાં શાહરૂર ખાન એક હિરો છે,લોકો તેમને જુએ છે,પસંદ કરે છે.જોકે અમારી પાસે ઘણા સ્થળોએથી ફોન અને ફરિયાદો આવી છે અને ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે સાથે જ કહી રહ્યા છે કે, ફિલ્મમાં અશ્લિલતા દર્શાવાઈ છે અને આ ફિલ્મમાં ઈસ્લામનો ખોટી રીતે પ્રચાર કરાયો છે.
ફિલ્મ ન જોવા કમિટીએ લોકોને અપીલ કરી
તેમણે વધુમાં કહ્યું કે, આ ફિલ્મને લઈને ઓલ ઈન્ડિયા મુસ્લિમ તહેવાર કમિટીએ આ ફિલ્મને બૉયકોટ કરી છે.અમે લોકોને અપીલ કરીએ છીએ કે, આ ફિલ્મને ન જુઓ… તેમણે કહ્યું કે, આ ફિલ્મ રિલિઝ ન થવી જોઈએ.તો બીજી તરફ ઓલ ઈન્ડિયા ઉલેમા બોર્ડે પણ ઓલ ઈન્ડિયા મુસ્લિમ તહેવાર કમિટીના નિવેદનને સમર્થન આપ્યું છે.
ઉલેમા બોર્ડના અધ્યક્ષે ફિલ્મ રિલિઝ ન કરવા માંગ કરી
સૈયદ અનસ અલીએ વધુમાં કહ્યું કે, હું સેન્સર બોર્ડને અપીલ કરુ છું અને દેશના તમામ થિયેટરને કહેવા માગુ છું કે, આ ફિલ્મથી ખોટો સંદેશો ફેલાતો હોવાથી આ ફિલ્મ ક્યાં રિલિઝ ન કરો.આ દેશની અંદર જેટલા મુસલમાન છે તે તમામની ભાવનાઓને ઠેસ પહોંચશે અને અમારી મજાક બની જશે. હું તમામને અપીલ કરું છું કે, આ ફિલ્મ ન જુઓ…
25 જાન્યુઆરી રિલિઝ થશે ફિલ્મ ‘પઠાણ’
શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ ‘પઠાણ’ 25 જાન્યુઆરી-2023ના રોજ રિલિઝ થશે.જોકે ફિલ્મનું પ્રથમ સોંગ બેશર્મ રંગ સામે આવતા જ હંગામો શરૂ થયો છે.હિન્દુ સંગઠનો બાદ મુસ્લિમ સંગઠનોએ પણ ફિલ્મનો વિરોધ કરવાનું શરૂ કરી દીધું છે.તો સોશિયલ મીડિયા પર પણ ‘બૉટકોટ પઠાણ’ ટ્રેન ચાલી રહ્યો છે.

